આમોદના મુખ્ય માર્ગ પર ગતિના રાક્ષસોની બેફામ લાપરવાહી ફરી એકવાર મૂંગા જીવ માટે અભિશાપ સાબિત થઈ છે. શહેરના વ્યસ્ત ગણાતા મેઈન ચોકડી વિસ્તારમાં પુરઝડપે દોડતા એક અજાણ્યા વાહને રસ્તા પર બેઠેલી ગાયને અડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ગોઝારી ઘટના સમયે અબોલ જીવની સાથે તેનું નાનું બચ્ચું પણ હાજર હતું, જે પોતાની માતાની આ હાલત જોઈને ભય અને વેદનાથી કંપી ઉઠ્યું હતું.
આ હૃદયદ્રાવક દ્રશ્યે હાઈવે અને માર્ગો પર મોતની તલવાર બનીને ફરી રહેલા બેફામ વાહનચાલકોની માનસિકતા તેમજ પશુઓને રસ્તા પર રઝળતા મુકી દેતા સ્વાર્થી માલિકોની બેજવાબદારીને નગ્ન વાસ્તવિકતા સાથે ઉજાગર કરી દીધી છે. અવારનવાર બનતી આવી દુર્ઘટનાઓ છતાં પ્રશાસનની ઘસઘસાટ નિદ્રા ન ઉડતા સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.
ઘટનાની ગંભીરતા પારખીને પ્રભુતા અને કરુણાની મૂર્તિ સમાન એક સ્થાનિક જાગૃત દુકાનદારે ત્વરિત માનવતા દાખવી ઇજાગ્રસ્ત ગાયની પ્રાથમિક સેવા-સુશ્રુષા કરી હતી. દરમિયાન અબોલ પશુના માલિકને આ ઘટનાની જાણ થતાં તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને ટેમ્પો લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બાદમાં ઉપસ્થિત સાહસિક અને લોકજાગૃત નાગરિકોના સહકારથી દર્દથી કરાહતી ગાયને ટેમ્પોમાં બેસાડીને તાત્કાલિક ધોરણે નજીકની પશુ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અકસ્માતે નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસનની પોકળ કામગીરીની પોલ ખોલી નાખી છે, ત્યારે રોષે ભરાયેલા નગરજનો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે કે તાત્કાલિક ધોરણે રઝળતા પશુઓને પકડીને પાંજરાપોળમાં ખસેડવામાં આવે અને મૂગા જીવોના જીવ જોખમમાં મૂકતા બેદરકાર માલિકો વિરુદ્ધ લાલ આંખ કરી કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023