દિલ્હીના જંતર મંતર ખાતે NEET પેપર લીક મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જના વિરોધમાં આજે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાગરા ડેપો સર્કલ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અને હાથમાં પ્લેકાર્ડ લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. માહિતી મુજબ, 20 જુલાઈના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ NEET પેપર લીક કેસમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સંસદ ચલો માર્ચ માટે એકત્ર થયા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટનાએ દેશભરમાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા જગાવી હતી. આ મામલો સંસદમાં પણ ગાજ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતાએ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે ન્યાયની માંગ કરી રહ્યા છે, ત્યારે તેમના પર બળપ્રયોગ કરવો લોકશાહી મૂલ્યો વિરુદ્ધ છે. સરકાર આ રીતે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
આ ઘટનાને અમાનવીય ગણાવતા વરસતા વરસાદ વચ્ચે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરી રહ્યા હતા, છતાં તેમના પર લાઠીઓ વરસાવવી અત્યંત નિંદનીય બાબત છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે NEET પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ કરાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વાગરા ડેપો સર્કલ ખાતે યોજાયેલા વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં વાગરા તાલુકા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિરોધીઓએ લોકશાહી અને વિદ્યાર્થીઓના અધિકારોના રક્ષણ માટે સતત અવાજ ઉઠાવ્યો હતો.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com