વાગરા તાલુકાના અરગામા-વિલાયત ચોકડી રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અરગામાથી વિલાયત ચોકડી તરફ જઈ રહેલી અર્તિગા કાર અચાનક રોડ ક્રોસ કરવા આવેલી નીલગાય સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે નીલગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જતાં વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, કાર સામાન્ય ગતિએ આગળ વધી રહી હતી ત્યારે અચાનક નીલગાય રોડ પર આડી આવી ચઢતાં કારચાલકને બ્રેક મારવા અને વાહન પરનો કાબૂ જાળવવાનો સમય મળ્યો ન હોતો. પરિણામે કાર અને નીલગાય વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. અકસ્માતના અવાજથી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં સવાર લોકોનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
જોકે વાહનને ભારે નુકસાન થતાં કારને સ્થળ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાના કારણે થોડા સમય માટે માર્ગ પર વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અરગામા-વિલાયત ચોકડી રોડ પર રાત્રિના સમયે તેમજ વહેલી સવારે નીલગાયો અને અન્ય જંગલી પશુઓનું અવરજવર સતત રહે છે. અગાઉ પણ આ માર્ગ પર આવા અકસ્માતો બન્યા હતા. તેથી આ વિસ્તારમાં ચેતવણીના બોર્ડ લગાવવા તેમજ વાહનચાલકોને સાવચેતી રાખવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠી છે. આ ઘટનાએ ફરી એકવાર રોડ પર જંગલી પશુઓના અવરજવરને લઈને ચિંતા વધારી છે. સ્થાનિકોએ વાહનચાલકોને ખાસ કરીને રાત્રિના સમયે અને વહેલી સવારે આ માર્ગ પરથી પસાર થતી વખતે વાહનની ગતિ મર્યાદિત રાખવા અને સંપૂર્ણ સાવચેતી સાથે વાહન હંકારી પોતાની તથા અન્ય લોકોની સુરક્ષા જાળવવા અપીલ કરી છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com