વાગરા તાલુકાના સારણ ગામ નજીક આજે ટેન્કર અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, સામસામે આવી રહેલા ટેન્કર અને અર્ટિગા કાર વચ્ચે જોરદાર અથડામણ થતાં કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી સમગ્ર બનાવ અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી, જોકે વાહનને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. અકસ્માતના ચોક્કસ કારણ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન વાગરા પંથકમાં અકસ્માતોની આ ચોથી ઘટના છે. સતત બની રહેલી અકસ્માતોની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. માર્ગ પર વધતી બેદરકારી, વધુ ઝડપ અને ટ્રાફિક નિયમોના પાલનમાં થતી ઉણપ જેવા મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. સ્થાનિકોએ માર્ગ સલામતીના કડક અમલ અને અકસ્માતપ્રવણ વિસ્તારોમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગ ઉઠાવી છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com