આમોદ:ભરૂચ જિલ્લાના આમોદ નગર સ્થિત પવિત્ર દરબારી મસ્જિદના મુબારક આંગણે અહલે સુન્નત વલ જમાઅતના ખ્યાતનામ આલિમ-એ-દીન, અઝીમ મુબલ્લિગ-એ-ઇસ્લામ, માલેગાંવના મશહૂર અને ‘અમીન-એ-મિલ્લત’ મૌલાના સૈયદ અમીનુલ કાદરી સાહેબ અહીંના અહકામની દાવત પર મખ્દૂમ જહાંમીર અશરફ સિમનાનીના ઉર્સના મોકા પર ગરિમામય તશરીફ (આગમન) લાવતાં સમગ્ર પંથકના મુસ્લિમ સમાજમાં ઉત્સાહ અને હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું હતું.
પયગંબર-એ-ઇસ્લામની સુન્નતોનો સંદેશ ફેલાવનાર આ મહાન રૂહાની શખ્સિયતના દીદાર કરવા અને તેમનો ઈલ્મી અવાજ સાંભળવા માટે આમોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અસંખ્ય અકીદતમંદો અને આશિકાન-એ-રસૂલ દરબારી મસ્જિદ ખાતે ઉમટી પડ્યા હતા. હઝરતના આગમન સાથે જ મસ્જિદ પરિસર “નારા-એ-તકબીર”, “યા રસૂલલ્લાહ” અને “યા ગરીબ નવાઝ”ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ નૂરાની રંગે રંગાઈ ગયું હતું.
કાર્યક્રમના શરૂઆતમાં આમોદના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા હઝરત સાહેબનું અદબ અને એહતેરામ સાથે શાનદાર ઇસ્તિકબાલ (સ્વાગત) કરવામાં આવ્યું હતું. આ મુબારક મહેફિલનો પ્રારંભ તિલાવત-એ-કલામ-એ-પાક (પવિત્ર કુરાનનું પઠન) અને નાઅત-એ-પાકની રુહાની પ્રસ્તુતિ સાથે થયો હતો. ત્યારબાદ મંચ પરથી મૌલાના સૈયદ અમીનુલ કાદરી સાહેબે કુરઆન-એ-મજીદ અને અહાદીસ-એ-મુબારકાની રોશનીમાં અત્યંત પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી બયાન (પ્રવચન) ફરમાવ્યું હતું. તેમણે બુઝુર્ગાને દીને આપેલા સંદેશ મુજબ ભાઈચારા, મોહબ્બત અને ઇન્સાનિયતની દાવત આપી હતી, તેમજ દેશની પ્રગતિ, શિક્ષણ મેળવીને ખુદની તરક્કી કરવા અને વ્યસનમુક્ત દેશ બનાવવા માટે નશાથી દૂર રહેવા , મા-બાપની ખિદમત (માતા-પિતાની સેવા-સંભાળ) કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે પોતાના ઓજસભર અને ઈલ્મી અંદાજમાં તૌહીદ, રિસાલત, પંજગાના નમાજની પાબંદી અને અખ્લાક-એ-હસનિયા (સુંદર ચરિત્ર) પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. ખાસ કરીને યુવા પેઢીને દીની તાલીમ અપનાવી કુમાર્ગથી બચવા તથા સિરાત-એ-મુસ્તકીમ (સાચા રાહે) ચાલીને સમાજ સુધારણા (ઇસ્લાહ-એ-મુઆશરા) માટે સક્રિય બનવા વજનદાર નસીહત કરી હતી.
હઝરત સાહેબના આ ઈમાન અફરોઝ વાયઝને સાંભળીને ઉપસ્થિત તમામ મોમિનોના દિલ ઝૂમી ઉઠ્યા હતા અને આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. તમામ હાજરજનોએ પોતાના ગુનાહોની તૌબા કરી હતી અને બારગાહ-એ-ઇલાહીમાં દેશ-દુનિયામાં અમન, ચેન, કૌમી એકતા, ભાઈચારો અને ઇસ્લામની બુલંદી માટે વિશિષ્ટ દુઆ-એ-ખૈર કરવામાં આવી હતી. અંતમાં બારગાહ-એ-રિસાલતમાં અકીદત સાથે અસલાતો તસ્લીમ (સલાતો સલામ) પઢવામાં આવી હતી અને નિયાઝનું વિતરણ કરીને આ રૂહાની પ્રોગ્રામ સંપન્ન થયો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023