આમોદ: સ્થાનિક પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેનો ભોગ હવે નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. તાજેતરમાં આમોદ-આછોદ રોડ પર સામેથી આવતી ગાડીઓની લાઇટના રિફ્લેક્શનને કારણે રસ્તા પર બેઠેલી કાળી ગાયો સમયસર વાહનચાલકોની નજરે ન ચઢતા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.
પૂરપાટ ઝડપે આવી રહેલું બાઈક સીધું જ રોડ પર બેઠેલી ગાયો સાથે જોરભેર અથડાતા બાઈક પર સવાર બે થી ત્રણ યુવકો રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે આ અકસ્માતમાં એક ગાય પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને માનવતા દાખવી તમામ ઇજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માત બાદ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોરના કારણે અકસ્માતો સર્જાવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા પર રઝળતા પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકી શકે અને નાગરિકો સુરક્ષિત મુસાફરી કરી શકે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023