ભેરસમમાં ભારદારી વાહનોને પ્રવેશ બંધના બોર્ડ, પરંતુ સરકારનું કોઈ જાહેરનામું નહીં! ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામમાં ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવતા સૂચક બોર્ડ લગાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સાયખા GIDC ને જોડતા આ ગામના પ્રવેશદ્વારે લગાવવામાં આવેલા બોર્ડમાં ભારદારી વાહનોને વાગરા તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ અંગે કોઈ સરકારી જાહેરનામું કે સત્તાવાર આદેશ જારી થયો હોવાનું તંત્રના કોઈ અધિકારી પાસે નોંધાયેલું નથી. આ સમગ્ર મામલે જ્યારે વાગરાના મામલતદાર વિરલ વસાવા અને પોલીસ ઇન્સપેક્ટર એસ. એન. ગોહિલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે બંને અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગે કોઈ જાહેરનામું અમલમાં નથી અને તેમની કચેરીને પણ આવી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી. અધિકારીઓના આ નિવેદન બાદ પ્રશ્ન એ ઊભો થાય છે કે ગામના મુખ્ય માર્ગ પર આવા સૂચક બોર્ડ આખરે કોની મંજૂરીથી લગાવવામાં આવ્યા?
બાળકોની સુરક્ષા માટે ભેરસમમાં ગ્રામજનો મેદાનમાં, તંત્રની મંજૂરી વગર જ લગાવ્યા પ્રતિબંધના બોર્ડ! બીજી તરફ ભેરસમ ગામના તલાટીએ પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ગ્રામ પંચાયત દ્વારા આવા કોઈ સૂચના બોર્ડ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી અને પંચાયત તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી. શક્ય છે કે ગામના ગ્રામજનોએ પોતાની પહેલ પર આ બોર્ડ લગાવ્યા હોય. આ નિવેદનથી સમગ્ર મામલો વધુ રસપ્રદ બની ગયો છે. જોકે ગામના આગેવાન હેમંતસિંહ રાજે આ સમગ્ર મુદ્દે ગ્રામજનોનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે ભેરસમ ગામમાંથી રોજ હજારો ભારદારી વાહનો બેફામ ઝડપે પસાર થાય છે. રોડની બાજુમાં શાળા, આંગણવાડી અને મંદિર આવેલા હોવાથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના જીવ પર સતત જોખમ ઊભું રહે છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોએ સલામતીના હેતુથી પોતાની જવાબદારી સમજીને સૂચક બોર્ડ લગાવ્યા છે. અગાઉ બેરીકેટ પણ મૂકવામાં આવ્યા હતા, છતાં વાહનોની અવરજવર યથાવત રહી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આવતીકાલે મામલતદારને આવેદનપત્ર આપી તમામ સંબંધિત વિભાગોને તેની નકલ મોકલવામાં આવશે. કાયદેસરની મંજૂરીમાં વિલંબ થતાં બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગ્રામજનોએ લગાવ્યા પ્રતિબંધના બોર્ડ, અધિકારીઓ અજાણ, તંત્ર માટે ચેતવણી સમાન ઘટના: જો ખરેખર ગામમાંથી બેફામ ઝડપે હજારો ભારદારી વાહનો પસાર થતા હોય અને તેનાથી શાળાના બાળકો સહિત ગ્રામજનોના જીવને જોખમ ઊભું થતું હોય, તો માત્ર ગ્રામજનોને દોષી ઠેરવવાથી પ્રશ્નનો ઉકેલ આવવાનો નથી. બીજી તરફ કાયદાકીય મંજૂરી વિના જાહેર માર્ગ પર પ્રતિબંધાત્મક બોર્ડ લગાવવાની પરંપરા પણ યોગ્ય ગણાવી શકાય નહીં. હવે તાત્કાલિક માર્ગ અને ટ્રાફિક સુરક્ષાનો સર્વે કરી, જરૂરી હોય તો સત્તાવાર જાહેરનામું બહાર પાડવું, સ્પીડ નિયંત્રણના પગલાં ભરવા અને ગ્રામજનોની વ્યાજબી માંગનો કાયદેસર ઉકેલ લાવવાની જવાબદારી તંત્રની છે. નહીં તો આવતીકાલે કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારીમાંથી કોઈ પણ વિભાગ બચી શકશે નહીં.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com