Skip to main content

Geo Gujarat News

દોરા ગામ પાસે એક્સપ્રેસ-વે પર હૃદયદ્રાવક દુર્ઘટના: ટ્રક નીચે સૂતેલા સાથી ડ્રાઇવરને અજાણતાં કચડી નાખતા મિત્રનું કરુણ મોત, સમગ્ર પંથકમાં શોકનું મોજું

આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે, જેમાં પરસ્પર સંકલનના અભાવે એક જ ટ્રક પર ફરજ બજાવતા સાથી ડ્રાઇવરના હાથે જ અજાણતાં તેના મિત્રનું કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, દ્વારકાના આશરે ૨૫ વર્ષીય યુવાન પ્રકાશ ચાવડા અને અજય હાથિયા ૧૬ ચક્કાવાળા ભારે વાહન (ટ્રક) પર ડ્રાઇવિંગની નોકરી કરી રહ્યા હતા. રસ્તામાં હોટલ જગદીશ પાસે ટ્રક થંભાવ્યા બાદ અજય હાથિયા પોતાના સાથી પ્રકાશને શોધવા માટે હોટલ તરફ ગયા હતા, પરંતુ પ્રકાશ ક્યાંય નજરે ન ચઢતા તેઓએ ધારણા બાંધી લીધી હતી કે તે કદાચ હોટલની અંદર કે આસપાસ હશે.ત્યારબાદ અજય હાથિયાએ કોઈ જ ખાતરી કર્યા વગર ટ્રક આગળ વધાર્યો હતો, પરંતુ તેમને અંદાજ પણ નહોતો કે કમનસીબ પ્રકાશ ચાવડા આરામ કરવા માટે કે અન્ય કોઈ કારણસર ટ્રકની બરાબર નીચે સૂઈ ગયા હતા. ટ્રક આગળ ચાલતાની સાથે જ તેનું ભારેખમ ટાયર પ્રકાશ ચાવડા ઉપર ફરી વળ્યું હતું, જેના પરિણામે તેમનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે એક્સપ્રેસ-વે પર ભારે ચકચાર મચી જવા પામી હતી.ઘટનાની ગંભીરતા જોતા આમોદ પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.પોલીસે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી મૃતદેહ સ્વજનોને સોંપવાની તજવીજ આદરી છે, ત્યારે આ ગોઝારી ઘટના હાઇવે પર વાહન હંકારતી વખતે ડ્રાઇવરોએ વાહન ઉપાડતા પહેલા સાથી મિત્રની હાજરીની સચોટ ખાતરી કરવા અને અત્યંત સાવચેતી રાખવાની ગંભીર પ્રેરણા પૂરી પાડે છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!