આમોદ: આમોદ શહેરમાં રખડતા ઢોરની વિકરાળ સમસ્યા હવે જાહેર સુરક્ષા માટે ગંભીર પડકાર બની છે. નેશનલ હાઈવે-૬૪ નજીક આવેલા એક કાર વોશ સર્વિસ સ્ટેશનના આશરે ૧૦ ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકવાની તાજેતરની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. તે પહેલાં આમોદ-આછોદ માર્ગ પર રસ્તા વચ્ચે બેઠેલા રખડતા ઢોરના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઈકસવાર યુવાનો અને ગાય ઇજાગ્રસ્ત થયા હતા.
શહેરના મુખ્ય માર્ગોથી લઈને આંતરિક વિસ્તારો સુધી ઢોરના અડિંગાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે, ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે અને વાહનચાલકો સતત અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે. વારંવારની દુર્ઘટનાઓ, નાગરિકોની ઉગ્ર રજૂઆતો અને વધતા લોકઆક્રોશ વચ્ચે આખરે આમોદ નગરપાલિકા હરકતમાં આવી છે અને આજથી રખડતા પશુઓને પકડવા માટે શહેરવ્યાપી સઘન ઝુંબેશનો પ્રારંભ કર્યો છે.
આ અભિયાનના ભાગરૂપે નગરપાલિકા દ્વારા રિક્ષા મારફતે જાહેર સૂચનાઓ પ્રસારિત કરી પશુપાલકોને પોતાના પશુઓ જાહેર માર્ગો પર રખડતા ન મૂકવા કડક ચેતવણી આપવામાં આવી છે. નગરપાલિકાના ઉપપ્રમુખ સાજિદ રાણાએ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા પશુઓના કારણે અકસ્માતો, ટ્રાફિકની સમસ્યા તેમજ સ્વચ્છતા સંબંધિત પ્રશ્નો સતત વધી રહ્યા હોવાથી નાગરિકોની ફરિયાદોને ધ્યાને લઈ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સૂચનાઓનું પાલન નહીં કરનાર પશુપાલકો સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તમામ પશુપાલકોને પોતાના ઢોર વાડામાં જ રાખવા અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે માનવજીવનની સુરક્ષા, સુવ્યવસ્થિત વાહનવ્યવહાર અને શહેરની સ્વચ્છતા જાળવવા દરેકનો સહયોગ અનિવાર્ય છે.
જોકે, સતત અકસ્માતો સર્જાયા, નાગરિકો ઇજાગ્રસ્ત થયા અને હવે ગાય પણ ૧૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ગયા બાદ જ તંત્ર હરકતમાં આવ્યું હોવાના મુદ્દે શહેરમાં ચર્ચા તેજ બની છે. નાગરિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જો અગાઉથી જ રખડતા ઢોર સામે સઘન અને સતત કાર્યવાહી કરવામાં આવી હોત, તો શું આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળી શકાઈ ન હોત? હવે લોકોની અપેક્ષા માત્ર જાહેરાતો કે ચેતવણીઓ પૂરતી નથી, પરંતુ રસ્તા પર રખડતા ઢોર અને બેદરકાર પશુપાલકો સામે કડક, સતત અને પરિણામલક્ષી કાર્યવાહી થાય તેવી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023