Skip to main content

Geo Gujarat News

આમોદ નેશનલ હાઈવે પર બેફામ કારચાલકનો આતંક! ટ્રકના કાચ ફોડી મચાવ્યો હોબાળો, હાઈવે પર ટ્રાફિક જામ, મામલો પોલીસ મથકે પહોંચ્યો..

આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. 64 પર આવેલી મુખ્ય ચોકડી નજીક બેદરકારી અને આક્રમક વર્તનનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મુખ્ય માર્ગ ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકના જણાવ્યા મુજબ, રોંગ સાઇડથી આવી રહેલા કાર ચાલકે ટ્રકની આગળથી જોખમી રીતે કટ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ બેદરકારીના કારણે કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારના દરવાજાને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોતી. અકસ્માત બાદ પોતાની જ ભૂલ સ્વીકારવાને બદલે કાર ચાલક ગુસ્સે ભરાઈ ગયો હતો. તેણે ટ્રક ચાલક સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી, જે થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ટ્રક ચાલકના આક્ષેપ મુજબ, કાર ચાલકે પથ્થરમારો કરીને ટ્રકના આગળના કાચ ફોડી નાખ્યા હતા. તેમજ હેડલાઈટને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જાહેર માર્ગ પર થયેલી આ તોડફોડને કારણે અન્ય વાહનચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં ટ્રક ચાલકે 112 ઇમરજન્સી હેલ્પલાઈન પર જાણ કરતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મામલો શાંત પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. જાહેર માર્ગો પર અકસ્માત પછી કાયદો પોતાના હાથમાં લેવાની વધતી માનસિકતા ગંભીર ચિંતાનો વિષય બની રહી છે. ભૂલ કોઈની પણ હોય, પરંતુ હિંસા, તોડફોડ અને આતંક મચાવવો કોઈપણ રીતે યોગ્ય નથી. આવા અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરીને કાયદાનો ડર ઉભો કરે તે સમયની માંગ બની ગઈ છે, જેથી હાઈવે પર મુસાફરી કરતા નિર્દોષ લોકોની સુરક્ષા જળવાઈ રહે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!