વિલાયત GIDCની કંપનીમાં ઘૂસેલા દીપડાનો અંતે થયો સુરક્ષિત કબજો, કર્મચારીઓએ લીધો રાહતનો શ્વાસ: વાગરા તાલુકાના વિલાયત GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડો ફરી રહ્યો હોવાની માહિતી સામે આવતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. કંપની પરિસરમાં દીપડાના પગલાંના નિશાન અને મૂવમેન્ટ જોવા મળતા કંપની સંચાલકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને સમગ્ર વિસ્તારનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. દીપડાને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડવા માટે કંપની પરિસરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સતત દેખરેખ અને મહેનત બાદ આખરે દીપડો પાંજરામાં પુરાઈ જતા કંપની સંચાલકો અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને જરૂરી તબીબી તપાસ બાદ તેને યોગ્ય જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.
વન વિભાગના સફળ ઓપરેશનથી પાંજરે પુરાયો દીપડો: જોકે, દીપડાના બચ્ચાં હજુ પકડવાના બાકી હોવાનું વન વિભાગના પ્રાથમિક નિરીક્ષણમાં સામે આવ્યું છે. જેના કારણે સમગ્ર વિસ્તાર પર વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. અને બચ્ચાંને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવા માટે આગળની કાર્યવાહી તથા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે જંગલને અડીને આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં આવી ચડતા હોય છે. તેથી તમામ કંપનીઓને ખાસ કરીને રાત્રિના સમયે સતર્ક રહેવા તેમજ કોઈપણ જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વિલાયત GIDC અને આસપાસના વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. હાલની ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગે ખેડૂતો, પશુપાલકો તેમજ જંગલને અડીને આવેલા વિસ્તારોના રહેવાસીઓને ખાસ સાવચેત રહેવા, રાત્રિના સમયે એકલા ખેતરોમાં જવાનું ટાળવા તેમજ કોઈપણ જંગલી પ્રાણી નજરે પડે તો તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યા વિના તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com