જેના સાથે સપના જોયા, તેના લગ્નથી તૂટી પડ્યો યુવક, આશાસ્પદ યુવકે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું! વાગરા તાલુકાના સાયખા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમિકા અન્યત્ર પરણી જતા તેના વિરહનો આઘાત સહન ન કરી શકનાર ૨૨ વર્ષીય યુવકે અંતે મોતને વ્હાલું કરી લીધું હતું. યુવકના આપઘાતના પગલે સાયખા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મળતી માહિતી મુજબ, મૂળ બિહાર રાજ્યના મૂંગેર જિલ્લાના વિજયનગર ગામનો રહેવાસી છૈલ્લાકુમાર ઘીરોમંડલ હાલ જે વાગરા તાલુકાના સાયખા ગામની સરપંચ કોલોનીમાં રહેતો હતો. છૈલ્લાકુમારને પોતાના વતનની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. બંનેના સંબંધો વચ્ચે યુવકના જીવનમાં અનેક સપનાઓ જોડાયેલા હતા, પરંતુ સમય જતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પ્રેમિકાના લગ્ન અન્ય યુવક સાથે થઈ જતા છૈલ્લાકુમારને મોટો માનસિક આઘાત લાગ્યો હતો. પ્રેમિકાના વિયોગને કારણે તે છેલ્લા કેટલાક સમયથી ઉદાસ અને તણાવમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આખરે આ માનસિક વ્યથા યુવક સહન કરી શક્યો નહીં અને તેણે ભરેલું જીવન અધવચ્ચે જ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.
પ્રેમની કહાનીનો કરુણ અંત, સાયખામાં ૨૨ વર્ષીય યુવકના આપઘાતથી પરિવાર પર આભ તૂટી પડ્યું! આશાસ્પદ યુવક છૈલ્લાકુમારે પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પરિવારજનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બાદમાં મૃતકના સંબંધી નીતિશકુમાર ઘીરોમંડલે વાગરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવાનીની ઉંમરે બનેલી આ કરુણ ઘટનાએ સાયખા પંથકમાં ચકચાર જગાવી છે. પરિવારજનોએ એક યુવાન દીકરો ગુમાવ્યો છે, જેના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com