વાગરા તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નગરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુલીસ્તાને સંજર સોસાયટી, ફૈઝલ પાર્ક, ઝમ ઝમ સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરો સુધી પહોંચી જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં દૈનિક જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે.
વાગરાના ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીઓમાં જવાના મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક સ્થળોએ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં લોકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ભારે વરસાદના કારણે નગરના અનેક વિસ્તારો જાણે ટાપુમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા છે. સતત વરસાદ અને પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાના કારણે વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. છેલ્લા 24 કલાકમાં વાગરામાં 6.36 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત, ખંડાલી ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર પણ વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો છે. ગ્રામજનોને આવન-જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને તંત્ર દ્વારા વહેલી તકે પાણીના નિકાલ માટે અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોમાં રાહત કામગીરી શરૂ કરવા તેમજ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સુરક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે, જેથી લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. પંથકના બુદ્ધિજીવી નાગરિકોના મતે વાગરા નગરમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાનું મુખ્ય કારણ છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા પ્લાનિંગ વિનાના આડેધડ બાંધકામ અને કુદરતી પાણીના વહેણના માર્ગોમાં થયેલા અવરોધ છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપી વૈજ્ઞાનિક આયોજન સાથે ડ્રેનેજ વ્યવસ્થા સુધારે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન અટકાવવા અસરકારક પગલાં ભરે.
ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખી ગામ આગેવાન ઝાબિર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ગુલીસ્તાને સંજર સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કરી સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી હતી. આ દરમિયાન તેમણે સંબંધિત તંત્ર સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને જરૂરી રાહત મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com