રેડ એલર્ટ વચ્ચે વરસી રહેલા ધોધમાર વરસાદમાં આમોદ ડીજીવીસીએલની ટીમે જીવના જોખમે ફરજ બજાવી સરાહનીય કામગીરી કરી હતી. પહાજ–ગેલ માર્ગ પર કમર સમા પાણી અને ઝાડી-ઝાંખરા વચ્ચે ઉતરી વીજ લાઇનનો ફોલ્ટ શોધી દૂર કરતા અનેક ગામોમાં ફરી વીજ પુરવઠો શરૂ કર્યો હતો.વીજળી મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદ ની મોસમ માં વીજ કંપનીના કર્મચારીઓની ખરી કસોટી થતી હોય છે.
એક તરફ વરસાદ વરસતો હોય અને બીજી તરફ વીજ સમસ્યાનું નિરાકરણ કરવા કર્મચારીઓ લાગતા હોય છે.આવીજ ઘટના ગતરોજ ભારે વરસાદ વચ્ચે વાગરાથી ગેલ ફીડર તરફ જતી વીજ લાઇનમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સતત વરસાદ અને પાણી ભરાવાની વિકટ પરિસ્થિતિ છતાં આમોદ ડીજીવીસીએલની ટીમ સ્થળે પહોંચી હતી.એલ.આઈ. કાંતિભાઈની ટીમના હેમંત પરમાર,હેમંત સોલંકી અને સિદ્ધાર્થભાઈ વીજ સમસ્યાના નિવારણ માં કામે લાગ્યા હતા.
ફોલ્ટ મળી જતા તેને દુરસ્ત કરવા સિદ્ધાર્થભાઇ કમર સુધીના પાણીમાં ઉતરી અને ઝાડી-ઝાંખરા વચ્ચેથી પસાર થઈ પોલ ના ઉપર ચડ્યા હતા. તેમની નિષ્ઠા અને હિંમતના કારણે વીજ સમસ્યાનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યુ હતુ. કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કરવા તેમજ તેમનો ઉત્સાહ વધારવા ડેપ્યુટી એન્જિનિયર વી.ટી. પટેલ અને જુનિયર એન્જિનિયર દર્શનભાઈ પ્રજાપતિ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.તેમણે ટીમને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતુ. વીજ પુરવઠો પુનઃ શરૂ થતા ગેલ ફીડર હેઠળ આવતા ગામોના લોકોમાં રાહતની લાગણી પ્રસરી જવા પામી હતી.સતત વરસાદ વચ્ચે ડીજીવીસીએલના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને સ્થાનિક ગ્રામજનો તથા સરપંચોએ પણ ખુલ્લા દિલે બિરદાવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com