Skip to main content

Geo Gujarat News

આમોદમાં નગરપાલિકા પ્રમુખના જ વિસ્તારમાં ૩ થી ૪ ફૂટ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી: ભાજપ દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો

આમોદ શહેરમાં સતત વરસાદના પગલે દશેરા પ્લોટ વિસ્તારમાં ગંભીર જળસંચયની સમસ્યા સામે આવી છે, જ્યાં ખુદ નગરપાલિકા પ્રમુખના જ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર અંદાજે ૩ થી ૪ ફૂટ જેટલા પાણી ભરાઈ જવાથી સ્થાનિકોની અવરજવર અત્યંત મુશ્કેલ બની ગઈ છે. આ માર્ગ વાડિયા, હીરાકોઈ અને દાદાપુર ગામોના નાગરિકો માટે રોજિંદી જીવનજરૂરી વસ્તુઓની ખરીદી અર્થે આવવા-જવા માટેનો અત્યંત મહત્વનો રસ્તો છે. આ ઉપરાંત, આ જ વિસ્તારમાં બે ધાર્મિક મંદિરો આવેલા હોવાથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ,વરસાદી પાણીના નિકાલ માટેનો કાસ (નિકાસ માર્ગ) પૂરી દેવામાં આવ્યો હોવાના કારણે પાણીનો યોગ્ય નિકાલ અટકી ગયો છે, જે અંગે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.આ ગંભીર સમસ્યાને પગલે આમોદ શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણી ભરાયેલા વિસ્તારોનું સઘન નિરીક્ષણ કર્યું હતું અને તંત્ર સામે આક્રમક આક્ષેપો કર્યા હતા. ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે લોકો આટલી મોટી મુશ્કેલીમાં મુકાયેલા હોવા છતાં નગરપાલિકા સત્તાધીશો ‘કુંભકર્ણની નિંદ્રા’ માં સૂઈ રહ્યા છે અને સમસ્યાના ઉકેલ માટે કોઈ જ ગંભીરતા દાખવી રહ્યા નથી. હાલ સ્થાનિક રહેવાસીઓ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરીને આ મહત્વના માર્ગને વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે, ત્યારે આ ગંભીર સમસ્યાનો નગરપાલિકા તંત્ર ક્યારે અને કેવી રીતે ઉકેલ લાવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!