લીમડી કાંસ દુર્ઘટનામાં ૧ યુવક મળ્યો, SDM અને પાલિકા ટીમની હાજરીમાં બીજા યુવકની શોધખોળ તેજ! વાગરા તાલુકાના લીમડી-અંભેલ માર્ગ પર આવેલા કાંસમાં બનેલી દુઃખદ ઘટનામાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ SDM, ભરૂચ નગરપાલિકાની ટીમ તેમજ વાગરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને રેસ્ક્યુ કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યો છે. સતત ચાલી રહેલી શોધખોળ દરમિયાન પાણીમાં ગરકાવ થયેલા બે યુવકો પૈકી મહંમદ ઇલ્યાસ ગરગર (રહે. લીમડી) નામના યુવકની બોડી મળી આવી છે. યુવકને ત્વરિત સારવાર મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહંમદના શ્વાસ ફરી ચાલવા લાગે અને તેના જીવનમાં નવો પ્રાણ પૂરાય તે માટે હાલ આખું ગામ એકચિત્તે પ્રાર્થના કરી રહ્યું છે.
મહંમદ ઇલ્યાસ હોસ્પિટલ રવાના, લાપતા તબરેજ પટેલને શોધવા પાલિકાની રેસ્ક્યુ ટીમ મેદાનમાં! બીજી તરફ, હજુ પણ લાપતા એવા બીજા યુવક તબરેજ મુબારક પટેલ (રહે. લીમડી) ની શોધખોળ માટે ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ઊંડા પાણીમાં ખાંખાખોળા કરી રહ્યા છે. ભરૂચ SDM અને વાગરા પોલીસ પણ ઘટનાસ્થળે હાજર રહી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. સમગ્ર લીમડી પંથકમાં હાલ ભારે અરેરાટી સાથે ચિંતા અને ઉત્કંઠાનો માહોલ છવાયેલો છે.
વાગરા કાંસ દુર્ઘટના સ્થળે ભરૂચ SDM અને પાલિકા ટીમની કડક નજર હેઠળ રેસ્ક્યુ ઓપરેશન: બનાવની ગંભીરતાને પગલે ઘટના સ્થળે આસપાસના ગ્રામજનોના ભારે ટોળેટોળાં ઉમટી પડ્યા છે. વાતાવરણમાં ભારે ઉત્તેજના અને ગમગીની વચ્ચે પણ લીમડી ગામના લોકોએ અભૂતપૂર્વ એકતા અને માનવતા દર્શાવી છે. પોતાના વહાલસોયા યુવક તબરેજને સહી સલામત શોધી કાઢવા માટે ગ્રામજનો પણ તંત્રની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહ્યા છે. સ્થાનિક યુવાનો અને ગ્રામજનો રેસ્ક્યુ ટીમ, વાગરા પોલીસ અને ભરૂચ નગરપાલિકાની ટીમને શક્ય તમામ પૂરતો સહકાર આપી રહ્યા છે, જેથી કરીને શોધખોળની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com