Skip to main content

Geo Gujarat News

વાગરા: હાઈકોર્ટના નવા પરિપત્ર સામે વાગરા બાર એસોસિએશનનો બળાપો! અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત, ઉગ્ર આંદોલનની ચીમકી

અરજન્ટ કામગીરી સિવાય તમામ કામકાજ બંધ! હાઈકોર્ટના નિયમો સામે વાગરા વકીલ મંડળનો બળાપો: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર સામે વાગરા બાર એસોસિએશને કડક વિરોધ નોંધાવતા ન્યાયિક તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે. એસોસિએશને પરિપત્રમાં સમાવાયેલા નવા નિયમોને વકીલાત વ્યવસાય તેમજ ન્યાયિક પ્રક્રિયા માટે વ્યવહારુ રીતે અયોગ્ય ગણાવી તાત્કાલિક પરત ખેંચવાની અથવા તેમાં યોગ્ય સુધારા કરવાની માંગ ઉઠાવી છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, યુનિટ જજ, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તેમજ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજને સંબોધીને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના તા. 15 એપ્રિલ, 2026ના પરિપત્રનો અમલ 1 ઓગસ્ટ, 2026થી શરૂ કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ કોર્ટમાં રજૂ થતી અરજીઓ અને દસ્તાવેજો A4 સાઇઝના કાગળમાં તેમજ નક્કી કરાયેલી પાનાંની મર્યાદા સાથે રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ચોક્કસ ફૉન્ટ અને ફોર્મેટનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. વાગરા બાર એસોસિએશનનું કહેવું છે કે આ નિયમોના કારણે વકીલોને અનેક પ્રકારની વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વકીલોના જણાવ્યા મુજબ, મુદ્દત અરજી સહિતના દસ્તાવેજો નવા ફોર્મેટમાં તૈયાર કરાવવા માટે વધારાનો ખર્ચ થાય છે. માત્ર એક અરજી ટાઇપ કરાવવા માટે પાના દીઠ પ્રિન્ટિંગનો ખર્ચ અંદાજે રૂ. 50 જેટલો થતો હોવાથી ખાસ કરીને જુનિયર વકીલો માટે આ આર્થિક બોજ સમાન છે. તેથી આ નિયમોમાં રાહત આપવામાં આવે તેવી માંગ પણ રજૂઆતમાં કરવામાં આવી છે.હાઈકોર્ટના નવા પરિપત્રથી વકીલોમાં અસંતોષ, વાગરાથી ઉગ્ર વિરોધની શરૂઆત: બાર એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું છે કે અનેક કેસોમાં આરોપીની અગાઉની ગુનાહિત હિસ્ટ્રી, અગાઉના કોર્ટના આદેશો, સંબંધિત દસ્તાવેજો તેમજ વિવિધ અદાલતોના મહત્વપૂર્ણ ચુકાદાઓ રજૂ કરવા જરૂરી બનતા હોય છે. પાનાંની મર્યાદાને કારણે તમામ જરૂરી વિગતો રજૂ કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે, જેના કારણે કેસની સંપૂર્ણ હકીકત કોર્ટ સમક્ષ મૂકવામાં અડચણ સર્જાઇ રહી છે. જેના કારણે ન્યાયિક પ્રક્રિયા પણ અસરગ્રસ્ત બની શકે છે. વકીલોએ વધુમાં જણાવ્યું કે અગાઉ અરજીઓમાં કેસ નંબર, પક્ષકારોના નામ તથા અન્ય જરૂરી વિગતોના આધારે સંબંધિત કેસો સરળતાથી શોધી શકાતા હતા. પરંતુ નવા ફોર્મેટમાં માહિતી મર્યાદિત થવાના કારણે કેસ ટ્રેસ કરવામાં પણ ગંભીર મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. ખાસ કરીને વધુ દસ્તાવેજો ધરાવતા કેસોમાં દલીલો અને પુરાવા રજૂ કરવામાં વિલંબ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.હાઈકોર્ટના પરિપત્ર સામે વકીલોનો કડક વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી: વાગરા બાર એસોસિએશને હાઈકોર્ટને અપીલ કરી છે કે, વકીલો, કોર્ટ સ્ટાફ અને ન્યાય માંગતા પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને પરિપત્ર અંગે પુનર્વિચાર કરવામાં આવે. પરિપત્રમાં જરૂરી ફેરફારો કરવામાં આવે અથવા તેને સંપૂર્ણપણે પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ રજૂઆતને વાગરા બાર એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યોએ હસ્તાક્ષર કરીને સમર્થન આપ્યું છે. તો બીજી તરફ, નવા નિયમોના વિરોધમાં વાગરા વકીલ મંડળે અરજન્ટ કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. વાગરા તાલુકા કોર્ટ તેમજ ભરૂચ જિલ્લા કોર્ટની નિયમિત કાર્યવાહીથી તમામ વકીલો અલિપ્ત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્રથી અતિઉગ્ર આંદોલન અને વિવિધ વિરોધ કાર્યક્રમો હાથ ધરવાની ચીમકી પણ આપવામાં આવી છે. હાઈકોર્ટના નવા પરિપત્રને લઈને શરૂ થયેલો આ વિરોધ હવે રાજ્યભરના વકીલ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!