ભરૂચ શહેરના જંબુસર રોડ પર આવેલી સમાપાર્ક સોસાયટીમાં ઘરકામ કરતી મહિલાએ માલિકની ગેરહાજરી અને અંદરની માહિતીનો ગેરફાયદો ઉઠાવીને રૂ. ૨ લાખની મોટી ચોરી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદીના પિતાના કબાટમાંથી લોકરની ચાવી મેળવીને ઘરમાં રાખેલી રોકડ રકમ સેરવી લેનાર આ આરોપી મહિલાને ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી તેની પાસેથી ચોરી થયેલી સમગ્ર રકમ પરત મેળવવામાં સફળતા મેળવી છે.
બનાવની વિગત મુજબ, સમાપાર્ક સોસાયટીમાં રહેતા મહમદ અનીશ પટેલના ઘરે ઘરકામ કરતી આશિયાના સોસાયટીની રહીશ મહિલાએ મે થી જુલાઈ ૨૦૨૬ દરમિયાન આ ચોરીને અંજામ આપ્યો હતો. ૩ ઓગસ્ટે નોંધાયેલી ફરિયાદના આધારે પી.આઈ. એન.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કથી તપાસ તેજ કરી હતી. શંકાના આધારે શેરપુરા વિસ્તારમાંથી મહિલાને રાઉન્ડઅપ કરી કડક પૂછપરછ કરાતાં તેણે ગુનો કબૂલ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹૨ લાખની પૂરેપૂરી રકમ કબજે કરી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com