જંબુસર અને આમોદ તાલુકામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જતાં ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ડાંગર, કપાસ, તુવેર અને મકાઈ જેવા મુખ્ય પાકો અઠવાડિયાથી વરસાદી પાણીમાં ગરકાવ રહેતાં સંપૂર્ણપણે નાશ પામ્યા છે. બિયારણ, ખાતર અને મજૂરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ સમગ્ર પાક નિષ્ફળ જતાં જગતનો તાત ભારે આર્થિક સંકટમાં સપડાયો છે. ખેતરોમાં હજુ સુધી પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો માટે ફરી વાવણી કરવી પણ અશક્ય બની ગઈ છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ રાજ્યના કૃષિમંત્રીને પત્ર લખીને અસરગ્રસ્ત ખેડૂતોની ગુહાર પહોંચાડી છે. તેમણે મહેસૂલ અને કૃષિ વિભાગની સંયુક્ત ટીમ બનાવીને તાત્કાલિક પારદર્શક સર્વે કરાવવા તેમજ SDRF-NDRFના ધોરણો મુજબ વળતર આપવાની માગ કરી છે. આ ઉપરાંત, કોઈ પણ પાત્ર ખેડૂત સહાયથી વંચિત ન રહે તે માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા, કૃષિ લોનની વસૂલાતમાં રાહત આપવા, વ્યાજમુક્ત સહાય અને આગામી પાક માટે ખાતર-બિયારણ પૂરા પાડવાની પ્રબળ માગ ઉઠાવવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com