ભરૂચ જિલ્લામાં માતા અને શિશુના આરોગ્યને વધુ મજબૂત બનાવવા માટે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત (CSR) દ્વારા જિલ્લા આરોગ્ય કચેરી, ભરૂચ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ‘પ્રોજેક્ટ પોષક’ હેઠળ પોષણ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓના પોષણમાં સુધારો લાવી સ્વસ્થ માતા અને સ્વસ્થ શિશુના જન્મને પ્રોત્સાહન આપવાનો હતો. આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકાની 1,535 જેટલી ઓછું વજન ધરાવતી સગર્ભા (ANC) માતાઓને 200 ગ્રામના પ્રોટીન પાઉડરના ત્રણ-ત્રણ ડબ્બાનું વિતરણ કરવામાં આવશે. આ પહેલ દ્વારા કુપોષણ સામે લડત આપવાની સાથે માતૃત્વ આરોગ્યને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
પ્રોજેક્ટ પોષક ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત (ફાઈબર)ના યુનિટ હેડ આર. રામકુમાર તથા માનવ સંસાધન વિભાગના વડા નિમેષ જાદવના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત (એપોક્ષી)ના યુનિટ હેડ રાકેશ ચોક્સી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “સ્વસ્થ માતા જ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનો મજબૂત પાયો છે. માતા અને બાળકનું આરોગ્ય સમગ્ર સમાજની જવાબદારી છે. ગ્રાસિમના CSR હેડ હેમરાજ પટેલ, કોર્પોરેટ અફેર્સ હેડ કલ્પિત પંડ્યા તથા એચ.આર. હેડ રેણુ માથુરએ કંપની દ્વારા આરોગ્ય, શિક્ષણ, જીવનોપાર્જન, માળખાકીય સુવિધાઓ અને પર્યાવરણ ક્ષેત્રે ચાલી રહેલા વિવિધ CSR પ્રકલ્પોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રોટીન સહાય સગર્ભા માતાઓના આરોગ્યમાં સુધારો લાવી સ્વસ્થ અને બુદ્ધિશાળી પેઢીના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મુનીરા શુક્લાએ ગ્રાસિમના CSR વિભાગનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકાર અને ઉદ્યોગો વચ્ચેનો આ પ્રકારનો સહયોગ માતા અને બાળકના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને પ્રોજેક્ટ પોષક જેવી પહેલ સરકારી આરોગ્ય કાર્યક્રમોને વધુ અસરકારક બનાવશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા પંચાયત ચેરમેન વિમલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા, દૂધધારા ડેરીના ચેરમેન સંજયસિંહ, ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ શ્રુતિ ચાવડા તથા પાસ્ટ પ્રેસિડેન્ટ ચિંતલ ટલોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સગર્ભા માતાઓને સંતુલિત આહાર, નિયમિત આરોગ્ય તપાસ, આયર્ન-કેલ્શિયમની દવાઓ સમયસર લેવાની, સ્વચ્છતા જાળવવાની અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સલાહ આપી હતી. ગ્રાસિમ CSR ટીમ, જિલ્લા આરોગ્ય વિભાગ અને ઇનર વ્હીલ ક્લબના સંયુક્ત સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમને સફળતા મળી હતી. આયોજકોના જણાવ્યા મુજબ ‘પ્રોજેક્ટ પોષક’ માત્ર પોષણ સહાય પૂરતી યોજના નહીં પરંતુ કુપોષણમુક્ત, સ્વસ્થ અને સશક્ત ભરૂચના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com