ભરૂચ: રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચની ઐતિહાસિક અને અનોખી સુજની વણાટ કળાને નવી ઓળખ અને નવો વેગ આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુજની કળાના પુનઃજીવન અને કારીગરોના આર્થિક સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવેલા ‘પ્રોજેક્ટ રોશની’ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક્ટ સુજની પ્રોડક્શન એન્ડ સેલ્સ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસના અવસરે ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણે, IASના હસ્તે સ્ટેશન રોડ ખાતે નવા શોરૂમ ‘ન્યૂ રેવા સેન્ટર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ભરૂચની સુજની કળાને આધુનિક યુગ સાથે જોડવા અને દેશ-વિદેશ સુધી પહોંચાડવાના હેતુથી સોસાયટીની નવી અધિકૃત વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભરૂચની સુજની કળાનો સમૃદ્ધ ઇતિહાસ, તેની વિશિષ્ટ વણાટ શૈલી અને આ કળા સાથે જોડાયેલા સ્થાનિક કારીગરોની મહેનતને ઉજાગર કરતી વિશેષ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ લોન્ચ કરવામાં આવી હતી.
‘પ્રોજેક્ટ રોશની’ હેઠળ નવી પેઢીના યુવાનોને સુજની વણાટની તાલીમ આપી રોજગારીની નવી તકો ઊભી કરવાના પ્રયાસરૂપે તૈયાર થયેલા પ્રથમ બેચના તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેએ સુજની કળાને ભરૂચની અનોખી સાંસ્કૃતિક વિરાસત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ન્યૂ રેવા સેન્ટરનો પ્રારંભ તેમજ નવી વેબસાઇટ અને ડોક્યુમેન્ટ્રીનું લોન્ચિંગ સ્થાનિક કારીગરોના આર્થિક સશક્તિકરણ સાથે પરંપરાગત સુજની હસ્તકળાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
કલેક્ટરે સુજનીમાંથી બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું અને સુજની સાથે સંકળાયેલા પરિવારજનો પાસેથી આ કળા તથા તેના ઇતિહાસ અંગે માહિતી મેળવી હતી. સાથે જ સુજની કળાના માર્કેટિંગ અને તેને વધુ વ્યાપક બજાર સુધી પહોંચાડવા અંગે રચનાત્મક માર્ગદર્શન પણ આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર સહિત સામાજિક અગ્રણી રિઝવાના જમીનદાર, સુજની વણાટકામ સાથે સંકળાયેલા કારીગરો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની વર્ષો જૂની સુજની વણાટ કળાને ‘પ્રોજેક્ટ રોશની’ના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવા અને વૈશ્વિક ઓળખ અપાવવાના પ્રયાસોને આ કાર્યક્રમથી વધુ વેગ મળ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com