અંકલેશ્વર નજીકના પાનોલી રેલવે સ્ટેશન પર લૂંટારુઓની બેફામ બનેલી અસામાજિક પ્રવૃત્તિ અને મુસાફરોના જીવ સાથે ખેલ ખેલતી મોબાઈલ સ્નેચિંગની ઘટનાએ સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. ગત ૬ ઓગસ્ટે મૂળ રાજસ્થાનના અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ૩૨ વર્ષીય અશોક ગુર્જર જયપુર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનના જનરલ કોચના દરવાજા પાસે બેસીને સુરત જઈ રહ્યા હતા. તે જ સમયે પાનોલી સ્ટેશન પર બાંકડા પર ઘાત લગાવીને સૂતેલા એક લૂંટારૂએ ટ્રેન પસાર થતાં જ અચાનક દોટ મૂકીને અશોકના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો હતો. મોબાઈલ ઝૂંટવવાના આંચકા સાથે જ અશોક ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયા હતા અને પ્લેટફોર્મ પર ૧૦૦ મીટર સુધી ઢસડાઈને ટ્રેનના પૈડાં નીચે આવી જતાં કરુણ મોતને ભેટ્યા હતા.
આ રૂંવાડા ઊભા કરી દેતી સમગ્ર ધ્રુણાસ્પદ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી ઝૂંટમારી કર્યા બાદ મોંઢું સંતાડીને ભાગતો નજરે પડે છે. આટલું જ નહીં, થોડીવાર બાદ તે પોતાના અન્ય એક સાથીદાર સાથે સ્થળ પર પાછો ફરીને નીચે પડેલી મૃતકની મિલકત અને સામાન ઉઠાવીને રફુચક્કર થઈ ગયો હતો. બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસના પીએસઆઈ એસ. કે. રાણાના જણાવ્યા મુજબ, સીસીટીવીમાં કદ કેદ થયેલા શંકાસ્પદ લૂંટારુઓને દબોચી લેવા રેલવે ક્રાઇમ બ્રાન્ચ અને સ્પે. ટીમો દ્વારા પાનોલી, અંકલેશ્વર તથા ભરૂચ સ્ટેશનો પર સઘન શોધોખોળ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com