Skip to main content

Geo Gujarat News

નેત્રંગ: અમરાવતી નદી પરનો ૩૫ વર્ષ જૂનો કોઝવે ધસમસતા પૂરમાં ધોવાયો, ભંગાણ સર્જાતાં અનેક વિસ્તારોનો સંપર્ક કપાયો

નેત્રંગમાં ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને અમરાવતી નદીમાં આવેલા પ્રચંડ ઘોડાપૂરના કારણે ૩૫ વર્ષ પૂર્વે બનેલા કોઝવે-કમ-નાળાને ભારે નુકસાન પહોંચ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયતના માર્ગ-મકાન અને સિંચાઈ વિભાગ દ્વારા નેત્રંગ નગરના ગાંધીબજાર તેમજ જલારામ મંદિર વિસ્તારને સામે કાંઠે આવેલા વિસ્તારો સાથે જોડવા માટે આ નાળાનું નિર્માણ કરાયું હતું. જોકે, ગત ૩૦ અને ૩૧ જુલાઈના રોજ નદીમાં આવેલા ભયાનક પૂરમાં પાણીના ચંડ પ્રવાહ સામે નાળાના એક તરફનો ઉપરનો સ્લેબ સંપૂર્ણપણે ઉખડીને તણાઈ જતાં મોટું ભંગાણ સર્જાયું છે. જેના પરિણામે ભાટાકંપની ફળિયું, નવી વસાહત, ફોકડી અને વડપાન સહિતના અનેક વિસ્તારોનો નેત્રંગ મુખ્ય નગર સાથેનો સીધો સંપર્ક તૂટી જતાં હજારો રહીશો સંપર્કવિહોણા બન્યા છે.ગત સાડા ત્રણ દાયકાથી અનેક પૂરો સામે અડીખમ ઊભેલા આ કોઝવેનો સ્લેબ તૂટી જતાં હાલ વાહનવ્યવહાર અને અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. તૂટેલા ભંગાણમાંથી પસાર થવું અત્યંત જોખમી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય સ્થાનિકોમાં વ્યાપી ગયો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ નાળાનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આવનારા પૂરમાં સમગ્ર કોઝવે જમીનદોસ્ત થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક રહીશોએ ભરૂચ જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગ સામે વિરોધ દર્શાવી તાકીદે રીપેરીંગ કામગીરી શરૂ કરવા તેમજ જલારામ મંદિરથી સામેના કાંઠા સુધી કાયમી ધોરણે નવો પાકો રસ્તો બનાવવાની ઉગ્ર માગણી કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!