જંબુસર તાલુકાના યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકો માટે એસ.ટી. નિગમ દ્વારા મોટી રાહત સમાન નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જંબુસર એસ.ટી. ડેપો ખાતેથી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માટેની નવી એક્સપ્રેસ બસને સ્થાનિક ધારાસભ્યના વરદ હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવી ‘જંબુસર-અંબાજી’ એક્સપ્રેસ બસ શરૂ થતાં હવે જંબુસર અને આસપાસના પંથકના મા અંબાના ભક્તોને સીધી, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે, જેને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.
આ પ્રસંગે ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે, જંબુસર વિસ્તારની જનતાની વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખીને અંબાજી જવા માટે સીધી બસ ફાળવવા રાજ્ય સરકારમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. સરકારે આ લોકલાગણીને સકારાત્મક પ્રતિસાદ આપીને જંબુસર ડેપોને નવીન બસ ફાળવી આપી છે, તે બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ લોકાર્પણ કાર્યક્રમમાં જંબુસર ભાજપના સંગઠનના હોદ્દેદારો, જંબુસર નગરપાલિકાના પ્રમુખ, સ્થાનિક સામાજિક આગેવાનો તેમજ એસ.ટી. ડેપોના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com