લીંબડી શહેરમાં અસામાજિક તત્વો અને તસ્કરોનો ભય આસમાને પહોંચ્યો છે, જ્યાં ગત રાત્રે ખાતરપાડુઓએ એકસાથે ૬ બંધ મકાનોને નિશાન બનાવીને પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓની ધજીયા ઉડાડી દીધી છે. ગોલેતરપા, કડિયા શેરી, માળીવાડ અને જૂના જીનપરા વિસ્તારમાં તસ્કરોએ તાળાં તોડી આતંક મચાવ્યો હતો.
જે પૈકી જૂના જીનપરા વિસ્તારમાં દવાખાને ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો દોઢ તોલા સોનાની ચેન તથા ₹૫૦ હજાર રોકડા ચોરી ગયા હતા, જ્યારે નજીકના જ અન્ય એક ઘરમાંથી ₹૨૦ હજારની રોકડ પર હાથસાફ કર્યો હતો. આમ, બે મકાનોમાંથી કુલ ₹૭૦ હજાર રોકડા અને સોનાના દાગીના ચોરીને ખાતરપાડુઓ રફુચક્કર થઈ ગયા હતા, જ્યારે અન્ય ચાર મકાનોમાં કિંમતી સામાન બચી જતાં મોટી હોનારત ટળી હતી.
ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની ટીમ સ્થળ પર ધસી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ ચકાસીને શંકાસ્પદ ઈસમોની સઘન તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગોલેતરપા અને આસપાસના વિસ્તારોમાં અગાઉ પણ ચોરીના અનેક બનાવો બની ચૂક્યા છે, જેનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહી છે. વારંવાર બનતી આવી ચોરીની ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં પોલીસ તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં સઘન રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરવા તેમજ પ્રજાની ધન-માલની સુરક્ષા સુનિશ્ચિત કરી વહેલી તકે આ રીઢા ચોરોને દબોચી કડક સજા ફટકારવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગણી ઉઠી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com