ભરૂચ અને દહેજ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે આકાર લઈ રહેલા એક્સેસ-કંટ્રોલ એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. નવા કલાદરા ગામ પાસે અંડરપાસનું નિર્માણ ન કરવામાં આવતાં રોષે ભરાયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાઇવે કામગીરી અટકાવી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા કલેક્ટરથી લઈને ગાંધીનગરની ઉચ્ચ કક્ષા સુધી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા પેટનું પાણી ન હલતાં આખરે ગ્રામજનોએ આરપારની લડાઈના એંધાણ આપ્યા છે.
ફોરલેન હાઇવેના નિર્માણના કારણે આખું ગામ બે ભાગમાં વિભાજિત થઈ ગયું છે. જો અંડરપાસ બનાવવામાં નહીં આવે તો ગ્રામજનો, શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ, ખેતરે જતી મહિલાઓ અને દહેજના ઔદ્યોગિક વિસ્તારમાં નોકરી કરતા યુવાનોને માત્ર રસ્તો ઓળંગવા માટે અઢીથી ત્રણ કિલોમીટરનો જોખમી અને લાંબો ફેરો ફરવો પડશે.
ચોવીસે કલાક સિસકારા બોલાવતાં ભારી વાહનોથી ધમધમતા આ હાઇવે પર અંડરપાસના અભાવે અકસ્માત અને જીવનું જોખમ સતત તોળાતું રહેશે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી અંડરપાસની માગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ હાઇવેનું નિર્માણ કાર્ય આગળ વધવા દેવામાં નહીં આવે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com