અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડીથી સિલ્વર સિટી તરફ જતા મુખ્ય માર્ગ પર ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં સર્જાયેલા ગંદકીના સામ્રાજ્યે સ્થાનિક રહીશો અને રાહદારીઓનું જીવવું હરામ કરી નાખ્યું છે. આદર્શ સ્કૂલની બરાબર સામે જ કચરાના મોટા ઢગલા ખડકાયેલા હોવાથી પંચાયતના સ્વચ્છતાના મોટા-મોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે. એક તરફ જ્યાં જ્ઞાનનું મંદિર એવી આદર્શ શાળા અને નજીકમાં જ બેંક આવેલી છે, ત્યાં દરરોજ સેંકડો માસૂમ વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રાહકો અને સ્થાનિકોની મોટી અવરજવર રહે છે. આમ છતાં, જાહેર માર્ગને અડીને જ લાંબા સમયથી સડી રહેલા કચરાના કારણે દુર્ગંધયુક્ત વાતાવરણ પેદા થયું છે અને માખી-મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચતાં માસૂમ બાળકોમાં ભયાનક રોગચાળો ફેલાવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.
ગડખોલ ગ્રામ પંચાયતની નફ્ફટાઈ અને નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશનો જ્વાળા મુખી ફાટી નીકળ્યો છે. જાહેર માર્ગો અને શાળા જેવી અત્યંત સંવેદનશીલ જગ્યાઓ પર કચરાના ડુંગરો ખડકાયેલા રહેતા હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં મસ્ત પડી રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જાહેર જગ્યાઓએ ગંદકી ફેલાવનારા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં અને નિયમિત સફાઈની કામગીરી સુનિશ્ચિત કરવામાં પંચાયત તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું છે. કાગળ પરની કામગીરી અને દેખાવ પૂરતી સફાઈના તૂત બંધ કરીને તંત્ર કાયમી ધોરણે કચરાપેટીની વ્યવસ્થા ઊભી કરે તેમજ ગંદકીનું કાયમી નિરાકરણ લાવે તેવી લોકમાંગણીએ જોર પકડ્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com