આમોદ તાલુકાના તેગવા પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્યશ્રી ભાવસાર પુષ્પાબેનના સુચારુ આયોજન હેઠળ શાળા કક્ષાના ‘બાળમેળા’ તેમજ ‘લાઈફ સ્કીલ મેળા’ની ઉજવણી કરવામાં આવી હતી. આ બાળમેળામાં બાળવાટિકાથી લઈને ધોરણ-૫ સુધીના નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન આમોદ તાલુકાના મામલતદારશ્રી ડૉ. મયુર વડિયાએ શાળાની બિનઅપેક્ષિત (સરપ્રાઇઝ) મુલાકાત લીધી હતી. તેમણે પ્રજ્ઞા વર્ગના બાળકો વચ્ચે પહોંચી તેમની શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. બાળકો દ્વારા કરવામાં આવેલી રંગપૂરણી અને ચીટકકામ જેવી કલાત્મક પ્રવૃત્તિઓ જોઈને મામલતદાર સાહેબે બાળકોના કૌશલ્યની સરાહના કરી હતી.
બીજી તરફ, ધોરણ-૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ‘લાઈફ સ્કીલ મેળો’ યોજાયો હતો, જેમાં જીવનઉપયોગી અને વ્યવહારુ કૌશલ્યોનું પ્રાત્યક્ષિક રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ટોક-શો, ગેસ સિલિન્ડર લીકેજ સમયે સાવચેતી અને હીટ કંટ્રોલ કરવા જેવી કટોકટી વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓ તેમજ ડ્રિલ મશીન જેવા સાધનોનો સુરક્ષિત ઉપયોગ કરવાની વ્યવહારિક તાલીમ મેળવી હતી. મામલતદાર ડૉ. મયુર વડિયાએ બાળકો સાથે સંવાદ સાધી તેમના આત્મવિશ્વાસને બિરદાવ્યો હતો અને ભવિષ્યમાં આવા વ્યવહારુ શિક્ષણ થકી આગળ વધવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023