Skip to main content

Geo Gujarat News

વાગરા: સાયખા કેમિકલ ઝોનમાં પ્રદૂષણની હદ વટાવી? નીલકંઠ એનવાયરો પ્રોજેક્ટ સામે ગંભીર સવાલો, રવિવારે પીળા ધુમાડાથી ચકચાર!

વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં આવેલી નીલકંઠ એનવાયરો પ્રોજેક્ટ કંપની ફરી એકવાર કથિત પ્રદૂષણના મુદ્દે સવાલોના ઘેરામાં આવી છે. રવિવારના દિવસે કંપની તરફથી પીળા રંગનો ધુમાડો બહાર નીકળતો હોવાનો દ્રશ્યો સામે આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ કંપનીમાંથી વારંવાર વાયુ પ્રદૂષણ છોડવામાં આવતું હોવાની ફરિયાદો અગાઉ પણ ઉઠી ચૂકી છે. પ્રશ્ન એ છે કે રવિવારની રજાની આડમાં શું પર્યાવરણના નિયમોને નેવે મૂકવામાં આવ્યા? કંપનીની ચીમનીમાંથી નીકળતો પીળાશ પડતો ધુમાડો જો ખરેખર પ્રદૂષિત ગેસનો સંકેત હોય તો તેની પાછળનું સત્ય બહાર લાવવાની જવાબદારી કોની? સ્થાનિકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે ચેડા થઈ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે જવાબદાર તંત્ર હજુ સુધી માત્ર ફરિયાદો સાંભળીને જ સંતોષ માનશે કે પછી કડક તપાસ હાથ ધરશે?આ ઉપરાંત કંપનીની બહાર કલરયુક્ત પાણી ભરાયેલા ખાડા પણ નજરે પડ્યા હોવાના દાવા સામે આવ્યા છે. આ પાણી ક્યાંથી આવ્યું, તેમાં કયા પ્રકારના રસાયણો છે અને શું તે જમીન કે આસપાસના જળસ્રોતોને નુકસાન પહોંચાડી શકે છે, તે અંગે પણ તપાસ જરૂરી બની છે.એક તરફ ઔદ્યોગિક વિકાસની વાતો થાય છે, તો બીજી તરફ જો ઉદ્યોગોના કારણે હવા અને પાણી પ્રદૂષિત થવાના આક્ષેપો સાચા સાબિત થાય તો તે ગંભીર બાબત ગણાય. GPCB શું આ સમગ્ર મામલે સ્થળ તપાસ કરશે? હવાના અને પાણીના નમૂના લઈને વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવશે? અને જો નિયમોનો ભંગ સામે આવશે તો કંપની સામે કડક કાર્યવાહી થશે? હવે આ સવાલોના જવાબની રાહ જોવાઈ રહી છે. સ્થાનિકોમાં પણ એવી માંગ ઉઠી રહી છે કે માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પરંતુ સ્થળ પર જઈને હકીકત તપાસવામાં આવે અને જો પ્રદૂષણના નિયમોનો ભંગ થયો હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે GPCB આક્ષેપોને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરે છે કે પછી સાયખાના આ પ્રદૂષણના સવાલો ફરી ફાઈલોમાં જ દટાઈ જશે તે જોવું રહ્યું!

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!