ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનવ્યવહાર માટે જીવાદોરી સમાન અને જૂના નેશનલ હાઇવે નંબર ૮ પર સ્થિત નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના સિલસિલાને કાયમી ધોરણે ડામવા માટે ઊભું કરાયેલું સુરક્ષા કવચ અત્યંત કારગર સાબિત થયું છે. અગાઉ આપઘાત કરવા ઇચ્છતા લોકો માટે આ બ્રિજ એક સુરક્ષિત ‘સુસાઇડ પોઇન્ટ’ બની ગયો હતો, પરંતુ વહીવટી તંત્ર દ્વારા ૧૮૪.૫૮ લાખના તોતિંગ ખર્ચે બ્રિજના બંને કાંઠે મજબૂત સુરક્ષા જાળી અને કાંટાળા તાર લગાવાયા બાદ સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. જાળી નાખવાની કામગીરી પૂર્ણ થયાને ૯ મહિના અને શરૂ થયાને ૧ વર્ષ વીતી ગયા પછી પણ આ સમયગાળા દરમિયાન બ્રિજ પરથી નર્મદા નદીમાં કૂદીને આપઘાત કરવાનો એક પણ બનાવ ન નોંધાતાં બ્રિજ પરથી કાળો ડાઘ સદાને માટે ભૂંસાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે ગુજરાત સરકારે રૂ. ૪૨૩ કરોડથી વધુના ખર્ચે આકાર આપેલા નર્મદા મૈયા બ્રિજનું વર્ષ ૨૦૨૧માં લોકાર્પણ કરાયું હતું. જોકે, ત્યારબાદ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી આવતા હતાશામાં સરેલા લોકો માટે આ બ્રિજ આત્મહત્યા કરવાનું આસાન સ્થળ બની ગયો હતો. આ ગંભીર પરિસ્થિતિને અટકાવવા સ્થાનિક જાગૃત નાગરિકો, ભરૂચના ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર દ્વારા કરાયેલી રજૂઆતોના પગલે સરકારે મંજૂર કરેલા ફંડથી સુરતની એજન્સીએ માત્ર ૬૯ દિવસના રેકોર્ડ સમયમાં બ્રિજની બંને બાજુએ કુલ ૧.૪૬૨ કિલોમીટર લાંબી લોખંડની એંગલ-જાળી અને કાંટાળા તાર ફિટ કરવાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૫માં પૂર્ણ કરી હતી. તંત્ર અને લોકપ્રતિનિધિઓના આ ભગીરથ અને સમયસૂચક નિર્ણયથી આજે સેંકડો નિર્દોષ જિંદગીઓનો બચાવ શક્ય બન્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com