ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરવામાં આવેલા મોટાભાગના પિકઅપ બસ સ્ટેન્ડ વહીવટી તંત્ર અને સ્થાનિક ગ્રામ પંચાયતોની અક્ષમ્ય બેદરકારી તેમજ જાળવણીના અભાવે અત્યંત જર્જરિત બનીને ખંડેરમાં ફેરવાઈ ગયા છે. નેતાઓ અને દાનવીરોના આર્થિક સહયોગથી માત્ર વાહવાહ મેળવવા માટે નિર્માણ પામેલા આ બસ સ્ટેન્ડ્સનું એકવાર લોકાર્પણ થયા બાદ વર્ષો સુધી કોઈ જ મરામત કે સંભાળ ન લેવાતાં આજે આ સુવિધાઓ સફેદ હાથી સમાન સાબિત થઈ રહી છે. દયનીય સ્થિતિ તો એ છે કે અનેક સ્થળે આ બસ સ્ટેન્ડમાં ગેરકાયદેસર દુકાનો ખડકાઈ ગઈ છે તો કેટલાક સ્થળોએ રખડતા શ્વાનો અને અસામાજિક તત્વોએ પોતાનો કાયમી અડ્ડો જમાવી લીધો છે, જેના કારણે માસૂમ મુસાફરો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને રસ્તા પર ધૂળ અને રોગચાળા વચ્ચે ઉભા રહેવું પડે છે. કાળઝાળ ઉનાળાના તાપ અને ચોમાસાના ધોધમાર વરસાદમાં બસની રાહ જોતાં મુસાફરો માટે માથે છત ન હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર અને કષ્ટદાયક બની જાય છે. આ તમામ પિકઅપ બસ સ્ટેન્ડ ગ્રામ પંચાયતની સરકારી હદ અને જમીન પર આવેલા હોવા છતાં, પંચાયત સત્તાધીશો આંખ આડા કાન કરીને બેઠા છે અને સમારકામ કે સફાઈ મુદ્દે સદંતર ઉદાસીનતા દાખવી રહ્યા છે. પ્રશાસનની આ નફ્ફટાઈ અને અણઘડ વહીવટથી કંટાળીને હવે આક્રોશે ભરાયેલા સ્થાનિક ગ્રામજનો તેમજ દૈનિક મુસાફરોએ ચીમકી ઉચ્ચારી છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર ત્વરિત જાગીને આ જર્જરિત બસ સ્ટેન્ડનું સમારકામ કરાવે અને ગેરકાયદે દબાણો દૂર કરી મુસાફરો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા ઊભી કરે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com