Skip to main content

Geo Gujarat News

ભરૂચ: ધોળીકુઈ બજારમાં ક્લિનિકની આડમાં ચાલતા હાઈટેક જુગારધામ પર ‘એ’ ડિવિઝન પોલીસનો ત્રાટકો, ડોક્ટર સહિત ૩ સટ્ટોડિયા ૮૦,૦૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા

ભરૂચ શહેરના ધોળીકુઈ બજાર વિસ્તારમાં તબીબી સેવાના પવિત્ર વ્યવસાયને કલંકિત કરતી અને ગેરકાયદે પ્રવૃત્તિ આચરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોળીકુઈ બજારમાં આવેલા વખારીયા ક્લિનિક ખાતે તબીબી સારવારની આડમાં વોટ્સએપના માધ્યમથી ચાલતા આંક-ફરકના ડિજિટલ સટ્ટા બેટિંગના હાઈટેક નેટવર્ક પર ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે સફળ દરોડો પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે ક્લિનિક ચલાવતા મુખ્ય સૂત્રધાર ડૉ. મનોજ ચંપકલાલ વખારીયા સહિત કુલ ૩ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ૮૦,૦૫૦નો મુદ્દામાલ અને ડિજિટલ જુગારના પુરાવાઓ કબજે કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ડૉ. મનોજ વખારીયા પોતાના સાગરીત અનિલભાઈ માણેકલાલ મહેતા સાથે મળીને વોટ્સએપ ચેટ દ્વારા ગ્રાહકો પાસેથી સટ્ટાના આંકડા મેળવતા હતા. ગ્રાહકોને ૧ ના બદલામાં ૧૦ આપવાની આકર્ષક લાલચ આપીને આંક-ફરકનો ગેરકાયદે જુગાર રમાડવામાં આવતો હતો. આ દૈનિક નાણાકીય લેવડ-દેવડ અને વલણ હિસાબ મેળવવાની કામગીરી ઝાડેશ્વરના તરન મોદી નામના શખ્સ સાથે થતી હતી. ડૉક્ટરની આકરી પૂછપરછ બાદ પોલીસે તરન મોદી અને અનિલ મહેતાને પણ દબોચી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન ₹૬૦,૦૫૦ ની રોકડ રકમ, ૨૦,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોન અને વોટ્સએપ ચેટના આંકડા દર્શાવતા ૧૪ પાનાના સ્ક્રીનશોટ પ્રિન્ટઆઉટ સ્વરૂપે કબ્જે કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ચાલતા આ ડિજિટલ રેકેટને ધ્વસ્ત કરીને ભરૂચ પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!