અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અને જે.બી. મોદી કેન્સર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ માટે એક અત્યંત પ્રશંસનીય અને સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં ‘પ્રોજેક્ટ નવજીવન’ અંતર્ગત કેન્સર પેશન્ટ્સ કમ્યુનિટીનો ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના વરદ હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર જેવા અસાધ્ય રોગની સારવારને માત્ર દવાઓ, સર્જરી અને આધુનિક ટેક્નોલોજી પૂરતી સીમિત ન રાખતાં, દર્દીઓ તેમજ તેમના પરિવારોને જરૂરી માનસિક, સામાજિક અને ભાવનાત્મક બળ પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને ‘હેડ એન્ડ નેક કેન્સર પેશન્ટ્સ કમ્યુનિટી’ની શરૂઆત કરવામાં આવી હતી, જેની સાથે જ જિલ્લા કલેક્ટરના હસ્તે વિશેષ કેન્સર સેન્ટર બુકલેટનું વિમોચન પણ સંપન્ન થયું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા સહિતના અનેક રાજકીય-સામાજિક અગ્રણીઓ, તબીબો, હોસ્પિટલનો સ્ટાફ, કેન્સર સર્વાઇવર્સ અને મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ હોસ્પિટલની અદ્યતન મેડિકલ સુવિધાઓ અને દર્દીકેન્દ્રિત સુચારૂ કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, કેન્સર જેવા ગંભીર રોગમાં તબીબી સારવાર જેટલું જ મહત્ત્વ દર્દીને મળતા માનવીય અભિગમ, કૌટુંબિક સપોર્ટ, યોગ્ય માર્ગદર્શન અને પુનર્વસનનું છે. આ સાથે જ તેમણે ગ્રામ્ય અને સ્થાનિક સ્તરે કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સઘન ‘કોમ્યુનિટી બેઝ્ડ કેન્સર અવેરનેસ’ ઝુંબેશ ચલાવવા પર ખાસ ભાર મૂક્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com