હીરાનગરી સુરતમાં ગુનાખોરી અને ગેંગવોર સામે લાલ આંખ કરીને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મોટો પર્દાફાશ કર્યો છે. SOG ની ટીમે કુખ્યાત શિવા ઝાલા ગેંગના સક્રિય સાગરીત અને અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર શાહરૂખ ઉર્ફે સેવનને ગેરકાયદેસર દેશી રિવોલ્વર સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉધના વિસ્તારમાં આવેલા બકરામંડી રોડ પરથી ઘેરાબંધી કરીને આરોપી પાસેથી રૂ. ૧૫,૦૦૦ ની કિંમતનું ગેરકાયદે હથિયાર જપ્ત કર્યું છે. આ મામલે ઉધના પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલો શાહરૂખ ઉર્ફે સેવન કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ અગાઉ હત્યા (IPC ૩૦૨), હત્યાનો પ્રયાસ (IPC ૩૦૭) અને પાસા (PASA) જેવા અત્યંત ગંભીર ગુનાઓમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. પોલીસની કડક પૂછપરછ સામે આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત કરી હતી કે જૂની અદાવતના કારણે વિરોધી જૂથ દ્વારા પોતાના પર હુમલો થવાના ડરે તેણે આશરે ૮ થી ૧૦ મહિના પહેલાં એક વોન્ટેડ આરોપી પાસેથી આ ગેરકાયદે રિવોલ્વર ખરીદી હતી. SOG એ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરીને હથિયાર સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીને દબોચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com