ભરૂચ જિલ્લામાં લાંબા સમયથી પોલીસ ચોપડે નાસતા ફરતા ગુનેગારો સામે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે લાલ આંખ કરીને સફળતા મેળવી છે. વાગરા તાલુકાના દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડોના ગુનાહિત વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં છેલ્લા ૬ વર્ષથી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયેલા શાતિર આરોપીને ભરૂચ પોલીસે છેક રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન.આર. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ખાસ ટીમો બનાવી તપાસ ધમધમાવાઈ હતી. તપાસ દરમિયાન દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી ચંદ્રશેખર ઉર્ફે શેખર સોનારામ બિશ્નોઈ (ઉંમર ૩૩ વર્ષ, રહે. રાવરકીઢાની ગામ, તા. બિલાડા, જી. જોધપુર, રાજસ્થાન) ધરપકડથી બચવા માટે સતત સ્થળો બદલીને છુપાતો હોવાની ચોક્કસ હકીકત મળી હતી.
પોલીસ ટીમે અસંખ્ય ફોન કોલ રેકોર્ડ્સનું ઝીણવટભર્યું ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લઈને આરોપી જોધપુર તથા બિલાડા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય હોવાનો પર્દાફાશ કર્યો હતો. બાતમી મળતાં જ રાજસ્થાનમાં ધામા નાખીને બેઠેલી ભરૂચ પોલીસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને જોધપુરના સારણનગર વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી. પોલીસે ચોક્કસ લોકેશન પર વોચ ગોઠવીને શાતિર આરોપી ચંદ્રશેખર ઉર્ફે શેખર સોનારામ બિશ્નોઈને તેના રહેણાંક મકાનમાંથી દબોચી લીધો હતો. ૬ વર્ષથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા આ આરોપીને ભરૂચ લાવીને આગળની કાયદેસરની જેલહવાલે કરવાની કડક કાર્યવાહી અર્થે દહેજ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com