પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે રાત્રે એક ભયાનક હવાઈ દુર્ઘટના થતાં સહેજમાં રહી ગઈ છે. કુઆલાલંપુરથી ૧૫૯ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈને આવી રહેલી મલેશિયા એરલાઇન્સની ફ્લાઈટ કોલકાતા એરપોર્ટ પર ઉતરાણ કરવાની અણી પર જ હતી, ત્યારે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા જમીન પરથી કૂકપીટ તરફ ફેંકાયેલી એક તેજસ્વી લેસર લાઇટે પાયલટની આંખો ક્ષણભર માટે આંજી દીધી હતી. અચાનક બનેલી આ ઘટનાથી વિમાનમાં સવાર તમામ મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ પાયલટે ગભરાયા વિના ભારે સમયસૂચકતા અને પ્રોફેશનલિઝમ દાખવીને ૧૫૯ લોકોની જિંદગી સલામત બચાવી લીધી હતી.
પ્રાપ્ત મીડિયા અહેવાલો અને એરપોર્ટના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ નંબર MH-184 શનિવારે રાત્રે ૧૧:૨૦ વાગ્યે કોલકાતામાં લેન્ડ થવાની હતી. વિમાન જ્યારે રનવેથી માંડ ૮ નોટિકલ માઇલ દૂર હતું, ત્યારે મધ્યમગ્રામ-બારાસત વિસ્તાર તરફથી આવતું એક તીવ્ર લેસર બીમ સીધું કોકપીટમાં પાયલટની આંખો પર પડ્યું હતું. દ્રષ્ટિ ક્ષણભર માટે ધૂંધળી થઈ જતાં લેન્ડિંગ કરવું અત્યંત જોખમી જણાતાં પાયલટે તુરંત લેન્ડિંગ અટકાવી ફ્લાઈટને હવામાં જ ચકરાવો લેવડાવ્યો હતો. આશરે ૫ મિનિટ સુધી વિમાનને હવામાં રાખ્યા બાદ સ્થિતિ સામાન્ય જણાતાં રાત્રે ૧૧:૨૫ વાગ્યે ફ્લાઇટનું રનવે પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એરપોર્ટ સુરક્ષા મંડળ અને પોલીસે આ ગંભીર બેદરકારી બદલ લેસર લાઈટ ફેંકનારા તત્વો સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com