Skip to main content

Geo Gujarat News

નેત્રંગ: જીનબજાર નજીક કાર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, ૧૮ વર્ષીય આશાસ્પદ યુવકનું નીપજ્યું કરુણ મોત, એક ઈજાગ્રસ્ત..

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ૧૮ વર્ષીય આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રમણપુરા ગામે રહેતા ભરતભાઈ કરશનભાઈ વસાવાનો ૧૮ વર્ષીય પુત્ર સુજલ વસાવા તેના મિત્ર રીગ્નેશ વસાવા (ઉંમર ૧૮) સાથે મોટરસાયકલ પર વાંકલ ગામેથી કામ પતાવીને પરત ફરી રહ્યો હતો. સાંજના પોણા છ વાગ્યાના અરસામાં નેત્રંગ જીનબજાર અને ચાર રસ્તા વચ્ચે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ફોર વ્હિલર કારના ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ દર્દનાક દુર્ઘટના સુજલના પિતા જ્યાં નોકરી કરતા હતા તે દુકાનની બિલકુલ સામે જ સર્જાતાં પિતાની નજર સામે જ દીકરો કાળનો કોળિયો બન્યો હતો.

અકસ્માત એટલો પ્રચંડ હતો કે મોટરસાયકલ ચાલક સુજલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તે લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો, જ્યારે પાછળ બેઠેલા મિત્ર રીગ્નેશને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકો અને પિતા દ્વારા તાત્કાલિક બંને યુવકોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ચકાસણી કરીને સુજલને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ મામલે મૃતકના પિતા ભરતભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ મથકે કાર ચાલક ભાવિક અમૃતભાઈ રાંગાણી (રહે. નેત્રંગ) વિરુદ્ધ ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે અકસ્માત સર્જનાર ચાલક સામે કાયદાકીય શિકંજો કસી આગળની તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!