ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ‘ખેડૂત સ્વાભિમાન સંમેલન’માં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. સંમેલનમાં ખેડૂતોની જમીનો પર તેમની મંજૂરી કે યોગ્ય વળતર આપ્યા વિના જ વીજ કંપનીઓ દ્વારા દાદાગીરીથી વીજ થાંભલા ઊભા કરવા અને હાઈટેન્શન લાઈનો નાખવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આજીવિકાનો મુખ્ય આધાર એવી કિંમતી જમીનો પર જૂના કાયદાઓનો આશરો લઈ પોલીસ બળના જોરે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આ મુદ્દે સરકાર અને ઉદ્યોગપતિઓ વચ્ચે ખુલ્લી મિલીભગત હોવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, વીજ કંપનીઓ પોતાના અબજો રૂપિયાના નફા માટે ખેડૂતોનું શૂન્ય વળતરે શોષણ કરી રહી છે.
આમ આદમી પાર્ટી તરફથી માંગ કરવામાં આવી હતી કે, વીજ લાઈનો માટે રોકવામાં આવતી જમીનનું બજાર ભાવ કરતા ચાર ગણું વળતર આપવામાં આવે અથવા ભવિષ્યના ૨૫ વર્ષના ઉપયોગને ધ્યાને રાખીને દર મહિને નિશ્ચિત ભાડું કે કંપનીના નફામાં યોગ્ય હિસ્સો ચૂકવવામાં આવે. આ ઉપરાંત, આદિવાસી વિસ્તારોના પ્રશ્નો અંગે બોલતાં ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા કે, લોકોનો અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવાને ષડયંત્ર રચાઈને જેલમાં ધકેલી દેવાયા છે, જ્યારે સાંસદ મનસુખ વસાવા માત્ર પોકળ દેખાડો કરી રહ્યા છે.
ઈસુદાન ગઢવીએ ચીમકી આપતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખેડૂતોના હક અને સ્વાભિમાન માટે લાઠીઓ ખાવા કે જેલ જવામાં સેજ પણ પીછેહઠ કરશે નહીં. આગામી દિવસોમાં રાજ્યના ૫૪ લાખ ખેડૂતો એક થઈને આ શોષણકારી નીતિઓ સામે પ્રચંડ જનઆંદોલન ઊભું કરશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com