Skip to main content

Geo Gujarat News

પાનોલી: જે.બી. કેમિકલ્સ કંપનીની ભયાનક નિષ્ઠુરતા, બીમાર કર્મચારીને હોસ્પિટલને બદલે ઘરે મોકલી દેતાં મોત, પરિવારમાં પ્રચંડ આક્રોશ..

અંકલેશ્વર નજીક આવેલી પાનોલી જીઆઈડીસીની જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીની માનવતા વિહોણી અને ઘોર બેદરકારી પૂર્ણ હરકત સામે આવી છે, જેના કારણે એક શ્રમિકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મૂળ છોટાઉદેપુરના અને સજાલી ગામે રહેતા ૫૦ વર્ષીય પ્રવીણ તડવી છેલ્લા ૧૦ વર્ષથી કંપનીના ગાર્ડન વિભાગમાં કોન્ટ્રાક્ટ ધોરણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા. સોમવારે સવારે ૧લી શિફ્ટમાં નોકરી પર ગયા બાદ અચાનક તેમની તબિયત લથડી હતી. કટોકટીની આ ક્ષણે કંપની તંત્રએ શ્રમિકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની માનવીય ફરજ બજાવવાને બદલે અતિશય નિષ્ઠુરતા દાખવીને સવારે ૭ વાગ્યાના સુમારે પોતાની એમ્બ્યુલન્સ મારફતે ઘરે રવાના કરી દીધા હતા. કંપનીની આ ઘોર ગફલત અને લાપરવાહીના લીધે ઘરે પહોંચેલા પ્રવીણ તડવીની તબિયત વધુ નાજુક બની ગઈ હતી. ગભરાયેલા પરિજનો અને એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાકીદે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ મોડું થઈ ગયું હોવાથી તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જો કંપનીએ સમયસર શ્રમિકને હોસ્પિટલ પહોંચાડ્યા હોત તો કદાચ તેમનો કિંમતી જીવ બચી ગયો હોત. કંપની તંત્રની આ સંવેદનહીનતા સામે પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકાળે બનેલા આ બનાવ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!