રાજકોટના ભાવનગર રોડ પર આવેલી પ્રાઇમ એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં ગત ૩૦ જુલાઈના રોજ બંદૂકની અણીએ આચરવામાં આવેલી રૂ. ૧૯ લાખની સશસ્ત્ર લૂંટના ચકચારી કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. સ્થાનિક ખેડૂતોનો વેશ ધારણ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, મથુરા અને પશ્ચિમ બંગાળ સહિત ૭ રાજ્યોમાં ૧૦ દિવસ સુધી દિલધડક તપાસ ચલાવીને લૂંટમાં મદદગારી કરનાર બે સાગરીતો રમઝાનઅલી ઉર્ફે રાજુ શેખ (પશ્ચિમ બંગાળ) અને પ્રવીણ ખજીઓ (મથુરા)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ૨ લાખની રોકડ રકમ કબજે કરીને રમઝાનઅલીના ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, ૪૦ થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતો મુખ્ય સૂત્રધાર આસ અયુબ અને તેનો સાગરીત ઇલુ ખટીક હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને દબોચી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારૂઓ અત્યંત શાતિર અને હાઇટેક પદ્ધતિથી આયોજન કરીને આવ્યા હતા. પોલીસ અને સર્વેલન્સથી બચવા માટે તેઓ હોટલોને બદલે ભાડે રૂમ રાખીને રહેતા હતા, ચોરીના વાહનોની ખોટી નંબર પ્લેટો લગાવી એન્જિન-ચેચિસ નંબર ભંસી નાખતા હતા અને સીમકાર્ડ વગર ચાલતી ડ્રગ્સ પેડલરોની પ્રાઇવેટ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. સોની બજારમાં કામ કરતા રમઝાનઅલીની મદદથી ભગવતીપરામાં રૂમ રાખીને ૨૦ દિવસ સુધી રેકી કર્યા બાદ આંગડિયા પેઢીમાં ઘૂસી સંચાલકને માર મારી ૧૯ લાખની લૂંટ ચલાવાઈ હતી.
લૂંટ બાદ વાંકાનેર, થાન અને મુળી થઈ સુરેન્દ્રનગરથી ચોરીની બાઇક મૂકી ટ્રેનમાં દિલ્હી નાસી છૂટેલી આ ટોળકીને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સીસના આધારે દબોચી લેવામાં આવી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે બાકીનો મુદ્દામાલ રિકવર કરવા અને ફરાર મુખ્ય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા આકરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com