અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા સંસ્કાર બંગ્લોઝમાં રહેતા એક નિર્દોષ દંપતીને જાળમાં ફસાવીને રૂ. ૧૯ લાખની મસમોટી રકમ પચાવી પાડવાના ગુનામાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે કડક વલણ અપનાવ્યું છે. આ ચકચારી કૌભાંડમાં અગાઉ મુખ્ય આરોપી ઠગ પતિ ભાવિક ત્રિવેદીની ધરપકડ કર્યા બાદ, ગુનામાં બરાબરની ભાગીદાર એવી તેની પત્ની અંકિતા ત્રિવેદીની પણ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. ફરિયાદી સુશીલા ઉર્ફે આરતીબેન શુકલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. સ્થિત વિધિ ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમની જ સાથે નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેની પત્ની અંકિતાએ પોતાની ‘ગ્રીન માઈન્ડ કન્સલ્ટ’ નામની કાગળ પરની ફાઈનાન્સ કંપનીનું સરનામું આપીને વિવિધ સરકારી બેંકોમાંથી સરળતાથી મોટી રકમની લોન અપાવવાની લોભામણી જાળ બીછાવી હતી. શાતિર દંપતીએ ફરિયાદીને એવા દિવાસ્વપ્ન બતાવ્યા હતા કે લોનમાંથી ૪૦ ટકા રકમ તેમને વાપરવા મળશે, જ્યારે બાકીની ૬૦ ટકા રકમ ભારત સરકારની રોકાણ યોજનાઓમાં રોકીને નાણાં બમણાં કરી આપવામાં આવશે અને તેનો બેંક હપ્તો પણ પોતે જ ભરી દેશે. આ માયાજાળ અને લાલચમાં આવી જઈને ફરિયાદી દંપતીએ રૂ. ૧૯ લાખ પધરાવી દીધા હતા. નાણાં હડપ કર્યા બાદ વાયદા મુજબ કોઈ વળતર કે લોન ન ચૂકવાતાં પોતાની સાથે ભયાનક છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ આરતીબેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી બંને દંપતી સામે આકરા કાયદાકીય સરિયાં ઉગામીને જેલ હવાલે કરી દીધા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com