ભરૂચ જિલ્લામાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં દૂધ વગરના કૃત્રિમ અને ઝેરી એનાલોગ પનીર (નકલી પનીર) ના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગત ૬ ઓગસ્ટથી જિલ્લામાં પનીર એનાલોગના ઉપયોગ અને વેચાણ પર સત્તાવાર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ ફૂડ વિભાગની વિશેષ ટીમોએ કડક ઝુંબેશ ચલાવી હતી. ૬ થી ૧૦ ઓગસ્ટ દરમિયાન ચલાવાયેલી ૫ દિવસીય સઘન તપાસ ડ્રાઇવ દરમિયાન હાઇવે પરની હોટેલો, રેસ્ટોરન્ટ્સ, પિઝા સેન્ટરો, ધાબા અને જથ્થાબંધ વેપારીઓ સહિત કુલ ૮૪ સ્થળોએ ઓચિંતું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ્ દરમિયાન વિવિધ સ્થળોએથી કુલ ૩૪ કિલો જેટલો પ્રતિબંધિત અને અખાદ્ય એનાલોગ પનીરનો જથ્થો પકડાઈ જતાં ફૂડ વિભાગે તુરંત જ તેને જપ્ત કરી નિયમાનુસાર સ્થળ પર જ નાશ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, પામ ઓઇલ, સસ્તો મિલ્ક પાવડર અને સ્ટાર્ચ જેવા જોખમી તત્વો ભેગા કરીને બનાવાતું આ નકલી પનીર આરોગ્ય માટે અત્યંત હાનિકારક અને ગંભીર રોગોનું ઘર છે. તેમાં કોઈ પણ પ્રકારનું પ્રોટીન કે કેલ્શિયમ હોતું નથી, પરંતુ માત્ર ખરાબ કોલેસ્ટ્રોલ વધારતી ચરબી હોય છે, જેનાથી પાચનતંત્ર બિગડવા સાથે હૃદય રોગનો મોટો ખતરો ઊભો થાય છે. ભરૂચ ફૂડ વિભાગના અધિકારી એ.બી. રાઠવાએ કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે આ ચેકિંગ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં જો કોઈ વેપારી, હોટેલ માલિક કે સંસ્થા પનીર એનાલોગનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે હેરફેર કરતાં ઝડપાશે તો તેમની સામે આકરામાં આકરી કાયદેસરની કાર્યવાહી કરીને જેલ ભેગા કરવામાં આવશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com