ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત ‘ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી’ દ્વારા ભરૂચ જિલ્લાના આમોદ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એઇડ્સ જનજાગૃતિ અને સુરક્ષા અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે આમોદ-જંબુસર વિસ્તારના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી દીપ પ્રાગટ્ય દ્વારા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
આ બે માસ સુધી ચાલનારા અભિયાનનો મુખ્ય હેતુ HIV અંગે જાગૃતિ વધારવા સાથે સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરી લોકો સુધી સાચી અને વિશ્વસનીય માહિતી પહોંચાડવાનો છે.કાર્યક્રમ સંપન્ન થયા બાદ ધારાસભ્યશ્રી તેમજ ઉપસ્થિત રાજકીય આગેવાનોએ હોસ્પિટલના વિવિધ વોર્ડ તેમજ વિભાગની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓની નિકટ જઈ તેમના હાલચાલ પૂછ્યા હતા અને આરોગ્ય કેન્દ્રની કામગીરી તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે સ્થાનિક તબીબો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે, આ જનજાગૃતિ ઝુંબેશ આગામી મે મહિના સુધી નિરંતર ચલાવવામાં આવશે, આ કાર્યક્રમો દ્વારા HIV અંગેની ખોટી માન્યતાઓ દૂર કરવા, HIVથી બચાવ અંગે યોગ્ય માહિતી આપવા તેમજ દરેક વ્યક્તિ પોતાનું HIV સ્ટેટસ જાણે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.જે અંતર્ગત આમોદ તાલુકાના તમામ ગામડાઓ, શાળાઓ અને કોલેજો સુધી પહોંચી લોકોને એચ.આઈ.વી/એઇડ્સ જેવા ગંભીર રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી અને નિયંત્રણ અંગે માહિતગાર કરી સમગ્ર વિસ્તારને ‘એઇડ્સ મુક્ત’ બનાવવાનો સંકલ્પ લેવાયો છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવ કિશોર સ્વામી તથા રાજકીય આગેવાનો તેમજ સ્થાનિક ડોક્ટરો, આરોગ્ય અધિકારીઓ અને નર્સિંગ સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર સફળ આયોજન બદલ એઇડ્સ વિભાગનો હવાલો સંભાળતા ધર્મેશભાઈ અને તેમની ટીમને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023