Skip to main content

Geo Gujarat News

આમોદમાં રાષ્ટ્રપ્રેમનો મહાસાગર ઉમટ્યો: તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં હજારો નાગરિકો જોડાતા ગૂંજી ઉઠ્યા દેશભક્તિના નારા

આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજે સવારે ૧૦:૩૦ કલાકે સ્થાનિક ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાંથી એક અભૂતપૂર્વ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત ‘વંદે માતરમ્’ના સામૂહિક ગાન બાદ ડી.જે.ના તાલ અને દેશભક્તિના ગીતો સાથે પ્રસ્થાન પામેલી આ આશરે બે કિલોમીટર લાંબી યાત્રામાં ભારતમાતાની મનોહર વેશભૂષા ધારણ કરેલી બાળાએ સૌનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પ્રસંગે ભગવા વસ્ત્રધારી ધારાસભ્ય ડી.કે.સ્વામી હાથમાં તિરંગો લઈને જોડાયા હતા અને ઉપસ્થિત જનમેદનીમાં રાષ્ટ્રપ્રેમનો નવો જુવાળ પૂર્યો હતો. યાત્રાના માર્ગ પર આવેલી ભગવાન બિરસા મુંડા તેમજ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્ય, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.આ રાષ્ટ્રીય મહોત્સવમાં આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર રાકેશ ઠાકોર, તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયા, તાલુકા હેલ્થ ઓફિસર કે.કે. સિંગ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો તથા આમોદ ના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેર અને તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ હાથમાં તિરંગા સાથે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના ગગનભેદી નારા લગાવી સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. અંતમાં ધારાસભ્યશ્રીએ આઝાદીના સ્વાતંત્ર્ય વીરોને સ્મરણાંજલિ અર્પી હતી, જ્યારે મામલતદારશ્રીએ આ વિશાળ યાત્રાને અભૂતપૂર્વ સફળ બનાવનાર તમામ શાળાઓ, અધિકારીઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!