Skip to main content

Geo Gujarat News

આમોદ: મંદિરના બાંધકામમાં 31 લાખની કથિત છેતરપિંડીનો આરોપ, કોન્ટ્રાક્ટરની અમદાવાદથી ધરપકડ કરાઈ..

આમોદમાં મંદિરના બાંધકામના કામને લઈ 31 લાખની કથિત છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં આમોદ પોલીસે ગુનો નોંધી કોન્ટ્રાક્ટર કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદિશ મનહર સોમપુરાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. પોલીસ દસ્તાવેજ મુજબ આરોપીઓ સામે આમોદ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ આમોદના નાહિયેર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં સ્વામિનારાયણ સંસ્કાર ભવન મંદિરના બાંધકામ માટે પથ્થર, મટિરિયલ સપ્લાય તેમજ ઘડાઈ-ફિટિંગનું કામ આરોપીઓએ કોન્ટ્રાક્ટ તરીકે લીધું હતું. કામના વિશ્વાસે ટ્રસ્ટના એકાઉન્ટમાંથી અલગ-અલગ તારીખે કુલ રૂ.31 લાખની રકમ એડવાન્સ/અમાનત તરીકે આરોપીના ખાતામાં જમા કરાવવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.પરંતુ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, રકમ મેળવ્યા બાદ મંદિરનું કામ અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પથ્થર અને અન્ય મટિરિયલ પરત આપવા તેમજ રકમ પરત કરવાની માંગ કરવામાં આવી હોવા છતાં તે પરત ન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રૂ.31 લાખની રકમ અને મંદિરના બાંધકામ સાથે જોડાયેલા આ ગંભીર પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદિશ મનહર સોમપુરાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા હોવાનું પોલીસ દસ્તાવેજમાં દર્શાવવામાં આવ્યું છે. હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રૂ.31 લાખની રકમ ક્યાં વપરાઈ, મંદિરનું કામ શા માટે અટકાવવામાં આવ્યું અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો કેટલા સાચા છે તે તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!