Skip to main content

Geo Gujarat News

વાગરા: સલાદરામાં દેશભક્તિનો રંગ જામ્યો, તાલુકા કક્ષાની ૮૦મી સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી..

વાગરા તાલુકાના સલાદરા ગામે પ્રાથમિક શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શાળા પરિસરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સવારે ૯ વાગ્યાના નિર્ધારિત સમયે વાગરા મામલતદાર વિરલ વસાવાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તિરંગો લહેરાતાં જ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રગાનથી ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશ માટે શહીદ થયેલા વીર જવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં વાગરા પોલીસના અધિકારીઓ અને જવાનો, વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ, પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારી તંત્ર અને ગ્રામજનોની ઉપસ્થિતિને કારણે સલાદરા શાળા પરિસર જાણે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોએ દેશભક્તિના ગીતો સાથે નાટકો અને વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. નાના-નાના બાળકોની ઉત્સાહભરી રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી. કાર્યક્રમ દરમિયાન બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના કેળવાય તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય દિવસ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહે પરંતુ દેશની પ્રગતિમાં દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવે તેવો ભાવ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. આ રીતે સલાદરા ગામે યોજાયેલી તાલુકા કક્ષાની ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં તિરંગાની શાન, દેશભક્તિના ગીતો અને બાળકોની મનમોહક કૃતિઓએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી ગુંજાવી દીધું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી અને બાળકોના ઉત્સાહ વચ્ચે કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્વક સંપન્ન થયો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!