બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કાર અને મૂલ્યોનું સિંચન થાય તેવા ઉદ્દેશ સાથે કાર્યરત ભરૂચ-દહેજ માર્ગ પર એક્સાલ ગામ નજીક આવેલી ફિલાટેક્ષ ઇન્ડિયા લિમિટેડ સંચાલિત આર.એ. ભગેરિયા એજ્યુકેશનલ એકેડમી ખાતે ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ફિલાટેક્ષ ઇન્ડિયા લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ વેણુ વ્યાસની પ્રેરક ઉપસ્થિતિમાં તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. વેણુ વ્યાસે ઉપસ્થિત સૌને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષણનો હેતુ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, મૂલ્યો અને જવાબદારીની ભાવના વિકસે તે પણ એટલું જ જરૂરી છે. આધુનિક વિશ્વમાં ચાલી રહેલી વિવિધ ગતિવિધિઓની સમજ સાથે વિદ્યાર્થીઓ દેશના પ્રાચીન વારસા, સંસ્કૃતિ અને પરંપરાઓથી પણ પરિચિત બને તે દિશામાં સૌએ સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી.
વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે લાગણીસભર અને આત્મીય સંબંધો વિકસે તેમજ ભવિષ્યમાં દેશના સારા, સંસ્કારી અને જવાબદાર નાગરિકોનું ઘડતર થાય તેવા પ્રયાસો પર તેમણે ભાર મૂક્યો હતો. આ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં શાળાના આચાર્ય નૂતન અગ્રવાલ, રાજેશ શર્મા, એક્સાલ ગામના સરપંચ બળવંતસિંહ બારડ, પોલીસ અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com