આમોદ તાલુકાના કોલવણા ગામે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બંને શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કોલવણા પ્રાથમિક શાળામાં શિક્ષક ઉસ્માનભાઈ બાપુના હસ્તે જ્યારે હાઈસ્કૂલ ખાતે ઈકબાલભાઈ માતાદારના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન બાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવી સમગ્ર શાળા પરિસરને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું. પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ હાથમાં તિરંગો લઈને ભારે ઉત્સાહ અને ખુશી સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતા.
બાળકોના હાથમાં લહેરાતા તિરંગા અને તેમના ચહેરા પર જોવા મળતો દેશપ્રેમનો ઉત્સાહ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આઝાદી અમર રહો સહિતના દેશભક્તિના નારાથી સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું. હાઈસ્કૂલ ખાતે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર હોનહાર વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ ક્ષેત્રે જ નહીં, પરંતુ દેશના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપવા તથા રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવા પ્રેરણા આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલવણા ગામની બંને શાળાઓમાં દેશભક્તિ, ઉમંગ અને ઉત્સાહનો માહોલ છવાયેલો રહ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગામના આગેવાનો, શિક્ષકગણ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com