ઝઘડિયા તાલુકાના રાજપારડીમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજપારડી-નેત્રંગ માર્ગ પહોળો કરવાની કામગીરી વચ્ચે હવે દબાણ હટાવવાની નોટિસને લઈને ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. રસ્તા પહોળો કરવાના નામે વર્ષોથી ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓ, કેબિન તથા લારી-ગલ્લા ધારકોને દબાણ હટાવવાની આખરી નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. આ મુદ્દે રાજપારડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કાલીદાસભાઈ એમ. વસાવાના અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. ગ્રામસભામાં વેપારીઓ, ગ્રામજનો અને સ્થાનિક હિતધારકોએ સમગ્ર મામલે ઉગ્ર રજૂઆતો કરી હતી. ચર્ચા બાદ ગ્રામજનો અને વેપારીઓના હિતમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી તંત્રની કાર્યવાહી સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગ્રામસભામાં સૌથી ગંભીર મુદ્દો એ ઉઠાવવામાં આવ્યો કે રાજપારડી વિસ્તાર પાંચમી અનુસૂચિ હેઠળનો આદિવાસી વિસ્તાર છે અને અહીં PESA એક્ટની જોગવાઈઓ લાગુ પડે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ પ્રકારના વિસ્તારમાં વિકાસ કામગીરી અથવા સ્થાનિકોના હકોને અસર કરતી જમીન અને રોજગારી સંબંધિત કાર્યવાહી કરતા પહેલાં ગ્રામસભાની યોગ્ય પ્રક્રિયા અને કાયદેસરની જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે.
સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તા. 6 ઓગસ્ટ, 2026ના રોજ કોઈ યોગ્ય પૂર્વ પરામર્શ કે ગ્રામસભાની પ્રક્રિયા વિના એકતરફી રીતે દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવી છે. ગ્રામજનોનો સવાલ છે કે વર્ષોથી અસ્તિત્વ ધરાવતા બજાર અને નાના ધંધાર્થીઓના ભવિષ્ય અંગે નિર્ણય લેતા પહેલાં સ્થાનિક લોકોનો અભિપ્રાય કેમ લેવામાં આવ્યો નહીં? રાજપારડીનું મુખ્ય બજાર માત્ર રાજપારડી પૂરતું મર્યાદિત નથી, પરંતુ આસપાસના આશરે 165થી વધુ ગામોના લોકો માટે ખરીદી-વેચાણ, રોજગારી અને વેપારનું મહત્વનું કેન્દ્ર હોવાનું ગ્રામસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં બજારમાંથી નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોને અચાનક હટાવવામાં આવે તો તેનો સીધો ફટકો અનેક પરિવારોની રોજગારી પર પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામજનોનું કહેવું છે કે ઘણા નાના વેપારીઓ વર્ષોથી પંચાયત વેરો અને બજાર ફી ચૂકવીને પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. સરકાર અને સ્થાનિક તંત્રને નિયમિત રીતે વેરો-ફી ચૂકવતા આવા વેપારીઓને એક ઝાટકે હટાવી દેવામાં આવે તો તેમની સામે માત્ર દુકાન કે લારી ગુમાવવાનો પ્રશ્ન નહીં, પરંતુ પરિવારના ચુલા સુધીનો સવાલ ઊભો થશે.
ગ્રામસભામાં એ પણ રજૂ થયું કે નાના વેપારીઓ હટાવવાથી માત્ર વેપારીઓને જ નહીં, પરંતુ ગ્રામ પંચાયતની આવક અને સમગ્ર સ્થાનિક બજાર વ્યવસ્થાને પણ અસર થઈ શકે છે. વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની આડમાં વર્ષોથી રોજગાર મેળવી રહેલા સ્થાનિકોને વિસ્થાપિત કરવામાં આવે અને તેમના પુનર્વસન તથા વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર ન કરવામાં આવે તો એવો વિકાસ કેટલો ન્યાયી ગણાય તેવો સવાલ પણ ઉઠ્યો હતો. ગ્રામસભાના ઠરાવમાં તંત્રને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે PESA એક્ટ તેમજ પુનર્વસન સંબંધિત જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે તો તેનો કાયદેસર રીતે સખત વિરોધ કરવામાં આવશે. સ્થાનિકોએ જરૂર પડ્યે આ મુદ્દે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ સમગ્ર મામલે હવે તંત્ર સામે બેવડો પડકાર ઊભો થયો છે. એક તરફ માર્ગ પહોળો કરવાની વિકાસ કામગીરી છે, તો બીજી તરફ સ્થાનિક આદિવાસી ગ્રામજનો અને નાના વેપારીઓના રોજગાર તથા કાયદેસરના હકોનો પ્રશ્ન છે. ગ્રામસભાના ઠરાવ બાદ તંત્ર હવે કઈ રીતે આગળ વધે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા ગ્રામસભામાં પસાર કરાયેલો ઠરાવ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મોકલી આપવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ગ્રામસભાની રજૂઆત અને PESAના મુદ્દાને ગંભીરતાથી લઈને સ્થાનિક વેપારીઓ માટે યોગ્ય વિકલ્પ અને પુનર્વસનની વ્યવસ્થા કરે છે કે પછી નોટિસ બાદ સીધી દબાણ હટાવવાની કાર્યવાહી આગળ ધપાવે છે. રાજપારડીમાં હાલ વાત માત્ર લારી-ગલ્લા કે કેબિન હટાવવાની નથી રહી; આ મુદ્દો હવે વિકાસ સામે સ્થાનિકોના હક, રોજગાર અને ગ્રામસભાની સત્તાના પ્રશ્ન સુધી પહોંચી ગયો છે. ગ્રામસભાએ પોતાનો નિર્ણય સ્પષ્ટ કરી દીધો છે, હવે બોલવાનો વારો તંત્રનો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com