દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં તંત્ર કોઈ કચાશ રાખતું નથી, પરંતુ જ્યારે રસ્તા પર વાહનચાલક મુશ્કેલીમાં મુકાય ત્યારે ઇમરજન્સી સુવિધાઓ ક્યાં ગાયબ થઈ જાય છે? આ સવાલ હવે માત્ર સવાલ રહ્યો નથી, પરંતુ ટોલ ભરતા વાહનચાલકોની ગંભીર ફરિયાદ બની રહ્યો છે. સુરતથી જંબુસર તરફ પરિવાર સાથે જઈ રહેલી એક ફેમિલીનું વાહન ભરૂચના દયાદરા ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અચાનક ટાયર ફાટી જતાં રસ્તા પર જ ખોટકાઈ ગયું હતું.
વાહનમાં બાળકો અને મહિલાઓ પણ હોવાથી પરિવાર માટે પરિસ્થિતિ ચિંતાજનક બની હતી. મદદ માટે સંપર્ક કર્યા બાદ પણ લાંબા સમય સુધી ક્રેન ન પહોંચતા પરિવારને કલાકો સુધી હાઈવે પર મુશ્કેલી વચ્ચે રાહ જોવી પડી હોવાનો આક્ષેપ છે. સવાલ એ છે કે જો દેશના અત્યાધુનિક ગણાતા એક્સપ્રેસવે પર વાહનચાલકનું ટાયર ફાટે, વાહન બંધ પડી જાય કે કોઈ યાંત્રિક ખામી સર્જાય તો તેને તાત્કાલિક સલામતી અને સહાય મળવી જોઈએ કે નહીં? ટોલ ટેક્સ વસૂલાત માટે વ્યવસ્થા ચુસ્ત હોય અને ઇમરજન્સી સમયે વાહનચાલકને કલાકો સુધી રાહ જોવી પડે તો આ વ્યવસ્થાની અસરકારકતા સામે સવાલ ઉઠે તે સ્વાભાવિક છે.
સૌથી ગંભીર આક્ષેપ 1033 હેલ્પલાઈનને લઈને થઈ રહ્યો છે. વાહનચાલક માટે ઇમરજન્સીમાં મદદ મેળવવાનું આ માધ્યમ છે, પરંતુ ફરિયાદકર્તાઓનો આક્ષેપ છે કે ફોન કર્યા બાદ પણ સ્થળ પર સમયસર ક્રેન અથવા જરૂરી સહાય પહોંચતી નથી. જો હેલ્પલાઈન પર કોલ કર્યા પછી પણ મુશ્કેલીમાં ફસાયેલા વાહનચાલકને પોતે જ કલાકો સુધી રાહ જોવી પડે, તો આ હેલ્પલાઈનનો વાસ્તવિક હેતુ શું છે? તે માત્ર નંબરની જાહેરાત પૂરતી મર્યાદિત છે કે ખરેખર ગ્રાઉન્ડ પર રેસ્ક્યૂ વ્યવસ્થા કાર્યરત છે? માતર ટોલ પ્લાઝા નજીક ધૂણ ખાતે છેલ્લા બે-ત્રણ મહિનાથી ક્રેન જોવા મળતી હોવાના દાવા પણ સામે આવ્યા છે.
જો હાઈવે પર ક્રેન ઉપલબ્ધ છે તો દયાદરા નજીક મુશ્કેલીમાં ફસાયેલા પરિવાર સુધી તે સમયસર કેમ પહોંચી નહીં? ક્રેન ક્યાં તહેનાત છે, કેટલા સમયમાં ઘટના સ્થળે પહોંચવાની વ્યવસ્થા છે અને ઇમરજન્સી કોલ બાદ તેની મૂવમેન્ટનું મોનિટરિંગ કોણ કરે છે—આ તમામ મુદ્દે સ્પષ્ટતા જરૂરી બની છે. વાહનચાલકોનો સીધો સવાલ છે કે ટોલ વસૂલવામાં હાઈવે ઓથોરિટીનો અધિકાર છે તો ટોલના બદલામાં મળતી મૂળભૂત સુવિધાઓ આપવાની જવાબદારી પણ એટલી જ ગંભીર હોવી જોઈએ. માત્ર ચમકતો રસ્તો અને ટોલ પ્લાઝા ઊભા કરી દેવાથી હાઈવેની જવાબદારી પૂર્ણ થતી નથી. પેટ્રોલિંગ, ક્રેન, એમ્બ્યુલન્સ, ઇમરજન્સી રિસ્પોન્સ અને માર્ગ સુરક્ષાની વ્યવસ્થા સતત સક્રિય રહેવી જરૂરી છે.
ખાસ કરીને રાત્રિના સમયે હાઈવે પર વાહન ખોટકાવું અત્યંત જોખમી બની શકે છે. અંધારામાં રસ્તાની બાજુએ ઉભેલા વાહનને પાછળથી આવતા વાહન સાથે અકસ્માત થવાની શક્યતા રહે છે. પરિવાર સાથે મુસાફરી કરતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આવી સ્થિતિ વધુ જોખમી બની શકે છે. આવી પરિસ્થિતિમાં એક-એક મિનિટ મહત્વની હોય છે, ત્યારે કલાકો સુધી મદદની રાહ જોવી પડે તે ગંભીર બેદરકારી ગણાય કે નહીં તે અંગે હવે જવાબદાર તંત્રએ સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. આ ઉપરાંત એક્સપ્રેસવે પર ખાડા-ખાબોચિયાં અને અન્ય માર્ગસંબંધિત ખામીઓ અંગે પણ વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. ટોલ વસૂલાતમાં નિયમો અને સમયસર ચુકવણીની અપેક્ષા રાખવામાં આવે છે, તો રસ્તાની જાળવણી અને મુસાફરોની સલામતીમાં પણ એ જ સ્તરની કડકાઈ કેમ જોવા મળતી નથી? ટોલમાં કડકાઈ અને સુવિધામાં ઢીલ, આ બેવડી વ્યવસ્થા કેટલા સમય સુધી ચાલશે? વાહનચાલકોનો આક્ષેપ છે કે હાઈવે પર ઇમરજન્સી સહાયની વ્યવસ્થા માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં પણ ઝડપી અને અસરકારક હોવી જોઈએ. અકસ્માત કે વાહનખામી બાદ મદદ પહોંચવામાં થતો વિલંબ ક્યારેક સામાન્ય ઘટનાને ગંભીર દુર્ઘટનામાં ફેરવી શકે છે.
હવે હાઈવે ઓથોરિટી સામે કેટલાક સીધા અને ધારદાર સવાલો ઊભા થયા છે. 1033 હેલ્પલાઈન પર કોલ કર્યા બાદ મદદ પહોંચવામાં કેટલો સમય લાગવો જોઈએ? દયાદરા જેવી ઘટના સમયે ક્રેન ક્યાં હતી? ધૂણ ખાતે ઉપલબ્ધ હોવાનો દાવો થતી ક્રેન જરૂરિયાતમંદ વાહનચાલક સુધી કેમ પહોંચી નહીં? હાઈવે પર પેટ્રોલિંગ કેટલી વાર થાય છે? અને ટોલ ભરતા વાહનચાલકોને વાસ્તવમાં કઈ-કઈ ઇમરજન્સી સુવિધા આપવાની જવાબદારી હાઈવે ઓથોરિટીની છે? હવે માત્ર નોટિસો, જાહેરાતો કે હેલ્પલાઈન નંબર બતાવીને જવાબદારી પૂરી થવાની નથી. ટોલ વસૂલાત જેટલી ચુસ્ત છે, તેટલી જ ચુસ્ત ઇમરજન્સી સેવા પણ જમીન પર દેખાવવી જોઈએ.
મુશ્કેલીમાં ફસાયેલા પરિવારને કલાકો સુધી રસ્તા પર રાહ જોવી પડે તે અત્યાધુનિક એક્સપ્રેસવેની વ્યવસ્થાની ગંભીર ખામી તરફ ઈશારો કરે છે. વાહનચાલકોની માંગ છે કે હાઈવે ઓથોરિટી સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરે, 1033 હેલ્પલાઈનના રિસ્પોન્સ ટાઈમની સમીક્ષા કરે, ક્રેન અને પેટ્રોલિંગની વાસ્તવિક સ્થિતિ જાહેર કરે તથા ઇમરજન્સી સેવા માટે જવાબદારી નક્કી કરે. કારણ કે ટોલ ભરવો વાહનચાલકની ફરજ હોઈ શકે, પરંતુ ટોલના બદલામાં સુરક્ષિત અને સમયસર સેવા આપવી હાઈવે ઓથોરિટીની જવાબદારી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023